સૌરાષ્ટ્ર અને ગુજરાતની વૈવિધ્યસભર સંસ્કૃતિને જીવંત રાખવા માટે મેળાઓનું મહત્તમ યોગદાન છે. ગુજરાતના અનેક લોકમેળા ખૂબ પ્રસિદ્ધ છે. તેમાંથી એક પ્રસિદ્ધ મેળો એટલે જામનગરનો શ્રાવણી મેળો. આ વર્ષે પણ દર વર્ષની જેમ જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૦ ઓગસ્ટથી ૨૪ ઓગસ્ટ દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળો યોજાશે. આ મેળાને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બાળકો અને યુવાનોને આકર્ષવા માટે મેળાના સંચાલકો દ્વારા વિવિધ રાઈડ્‌સ લગાવવામાં આવી રહી છે.

આજે શ્રાવણી મેળાના આયોજનને અનુલક્ષીને મ્યુનિ કમિશનર ડી.એન. મોદીએ મેળાના સ્થળની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું અને કાર્યમાં કોઈ ક્ષતિ ન રહે તે માટે સંબંધિત વિભાગને યોગ્ય સૂચનાઓ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે મેળામાં લોકોની સુરક્ષા માટે આ વખતે પાંચ કરોડને બદલે દસ કરોડનો વીમો લેવામાં આવ્યો છે.

જામનગરમાં શ્રાવણી મેળાના આયોજન માટે સંપૂર્ણ તૈયારી અને વ્યવસ્થા ગુણવત્તાપૂર્વક થાય તે માટે મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે મેળામાં પોલીસ વિભાગ દ્વારા ૨૪ટ૭ નજર રાખવામાં આવશે. તેમજ આરોગ્ય અને પાણી પુરવઠા વિભાગની ટીમ, રેવન્યુ વિભાગ અને મહાનગરપાલિકાની ટીમ પણ સતત ખડેપગે રહેશે.

મેળાના વેપારી સબીરભાઈ અખાણીએ જણાવ્યું હતું કે મેળાને લઈને અમને પણ ખૂબ ઉત્સાહ છે. હાલમાં વિવિધ રાઈડ્‌સ લગાવવાની કામગીરી ચાલી રહી છે, આ વખતે દર વર્ષની જેમ બે નવી રાઈડ્‌સ આવી છે, જે યુવાનો અને બાળકોને આકર્ષિત કરશે. આ ઉપરાંત, રમકડાં સ્ટોલ, રાઈડ, ફૂડ ઝોન સહિતના ૪૩ પ્લોટ ફાળવવામાં આવ્યા છે.

મશીન મનોરંજનની મોટી આઈટમ માટે ૬ પ્લોટ, જ્યારે ચિલ્ડ્રન રાઈડ માટે ૮ પ્લોટ અને રમકડાં માટે ૬ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. આ સિવાય, ફૂડ ઝોન, હેન્ડ ઓપરેટેડ રાઈડ અને પોપકોર્નના ૭ પ્લોટ તથા આઈસ્ક્રીમના ૨ પ્લોટ સહિત કુલ ૪૩ પ્લોટ ફાળવવામાં આવ્યા છે, જેમાં મેળો યોજાશે. જામનગરના આ મેળામાં ૪૦ રૂપિયાથી શરૂ થતી જુદી જુદી રાઇડ્‌સના અલગ અલગ ભાવ રાખવામાં આવ્યા છે. નિયત કરાયેલા ભાવ મુજબ યુવાનો અને બાળકો સહિત મેળાના રસિકો વિવિધ રાઇડ્‌સની મોજ માણી શકશે.