રાજકીય પક્ષોમાં સદસ્યોનું આવાગમન એક સ્વાભાવિક બાબત છે. એ માટે પક્ષો સદસ્યતા નોંધણી અભિયાનો પણ ચલાવતા હોય છે. આ સિવાય પક્ષપલટા જેવી બીજી રીતે સદસ્યો મળતા રહે છે. એક પક્ષ છોડીને બીજા પક્ષમાં જવું, બીજો છોડીને ત્રીજામાં જવું, ત્રીજો છોડી ચોથામાં… દેડકો એક પથ્થર પરથી બીજા પર કુદે કઈક એવી આ બાબત છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતુ બાળક ધોરણ પાસ કરીને ઉપર જાય ત્યારે તેની કૌશલ્યશક્તિ, જ્ઞાનશક્તિનું ઉતરોતર વર્ધન થતું રહેતું હોય છે, અહી આવું કોઈ જ્ઞાન કે શક્તિવર્ધન હોતું નથી. કોને સામેલ કરવો અને કોને નહિ એ પક્ષના સંચાલનકર્તાઓ નક્કી કરતા હોય છે. ચૂંટણી આવતા આવન જાવનની આ સિઝન ખીલી ઉઠે છે. અર્થશાસ્ત્રના માંગ અને પુરવઠાના સિધ્ધાંત અનુસાર નેતાઓની સંખ્યા અને નેતા બનવાની ઈચ્છાનું બજાર ગરમ થઇ જાય છે. આવા દરેક માણસની રાજકીય કિમત નક્કી થાય છે. જોરદાર વરસાદ પડે અને મૂંગા જાનવર જેમ ઓથ શોધે તેમ રાજકીય ઓથની શોધાશોધી શરુ થઇ જાય છે. મત ખેંચી શકે તેવા નેતાઓને રાજકીય પક્ષ પોતાની તરફ ખેંચે એ સમજી શકાય તેવી બાબત છે. રાજકીય પક્ષોના સીટો જીતવાના લક્ષ્યાંકને પૂરો કરવામાં મદદ કરી શકે તેવા દરેક જણનું પક્ષમાં સ્વાગત હોય છે. આવનારનો ભૂતકાળ અને ભવિષ્ય સાથે નિસ્બત નથી હોતી. ભૂતકાળમાં એ તમારાથી વિરુદ્ધની વિચારધારાનો રહ્યો છે તો ‘વિચારધારા પરિવર્તન’ જેવો સુશોભિત રાજકીય વાઘો તૈયાર હોય છે. અહી શ્રુષ્ટિનો નિયમ “પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય” નો નિયમ લાગુ નથી પડતો, અહી માત્ર અર્જુનની આંખ જેમ પક્ષીની આંખ જોઈ લેતી હતી તેમ મત જોઈ લેવાના છે. આ કવાયત દરેક રાજકીય પક્ષો કરતા રહેતા હોય છે. ‘પરસ્પર દેવો ભવ’ ની ભાવનાનો પ્રાદુર્ભાવ થાય છે. સોશ્યલ મીડિયાના ખુશામતખોર ટેકેદારોની ખુશામતથી નેતા હોવાનો આત્મઘાતી ભ્રમ પાળતા પાળતા “હાં પસ્તાવો વિપુલ ઝરણું, દિલ્હીથી ઉતર્યું છે…” ની તરજ ઉપર નિષ્કલંક થઈને દેશસેવામાં લાગી જવાનું રહે છે. આમાં જે ભુલાઈ જાય છે કે ધ્યાનમાં લેવામાં નથી આવતી એ બાબત છે, વ્યક્તિનું ચારિત્ર્ય અને આમજનતાનો મિજાજ કે મરજી. રાજકારણમાં ચારિત્ર્યના પ્રમાણો અપાતા નથી અને કોઈ પક્ષો માંગતા નથી કે આપવાનો કોઈ શિરસ્તો નથી. દુશ્ચારીત્ર્યને પક્ષનો ખેસ પહેરાવી દેવાથી અને મોવડી મંડળની બુટની દોરીઓ બાંધી આપતા કાર્યકર્તાઓની નારાબાજીથી વાત પૂરી થઇ જાય છે. મતદાર પક્ષનો નોંધાયેલ કાર્યકર્તા નથી એટલે તેને પૂછવા જવાપણું હોતું નથી. મતદારનું બ્રેઈન વોશિંગ કરવાની અત્યાધુનિક થીયરીઓ રાજકીય પક્ષોના હાથવગી હોય છે.

રાજકીય પક્ષોમાં કોઈ સામેલ થાય તેમાં સામાન્ય મતદારને શુ લાગેવળગે ? તમને ન ગમતો કોઈ માણસ, તમે જેમાં માન્યતા રાખો છો તે પક્ષમાં સામેલ થાય તો તમારા સ્ટેન્ડમાં શુ ફરક પડે ?  આવા પ્રશ્નો લઈને જનતાની વચ્ચે જવાનો રિવાજ હજુ શરુ થયો નથી. ચૂંટણીઓ માત્ર ઉમેદવારો કે રાજકીય પક્ષોની જ કસોટી માત્ર નથી હોતી. ખરી કસોટી તો મતદારની હોય છે. મતદારની વિવેકબુદ્ધિ કસોટીની એરણ પર હોય શકે જો મતદાર લોકકલ્યાણ કે સમષ્ટિનું હિત કે રાષ્ટ્રહિત ધ્યાનમાં રાખીને મત આપવા નીકળ્યો હોય. લોકશાહીમાં લોકોને માત્ર એક જ દિવસ પસંદગીનો વિકલ્પ મળે છે, ત્યારે એ વિકલ્પની પસંદગી ડહાપણથી કરવી એ દરેક મતદારની રાષ્ટ્રીય ફરજ બની જાય છે. જો કોઈ નેતાની કે પક્ષની કંઠી પહેરેલી હોય તો એ કંઠીબદ્ધતા તેની વિવેકબુદ્ધિ પર પરદો નાખી દેવાની. પક્ષના ગમે તેવા ડામીસને મત આપવો એ એની પુણ્યફરજ બની રહેવાની. ગુજરાતમાં અત્યારના ચૂંટણી પહેલાના આ સમયગાળા દરમિયાન મતદારોની માનસિકતા સ્થિતિસ્થાપક રહેવાની. દરેક ઉમેદવાર કે પક્ષ મતદારને યેનકેન પ્રયત્ને પોતાની બાજુ વાળવાની ફિરાકમાં હોવાના. આ લોકોનું કામ થોડું સરળ એ રીતે થઇ જાય છે કે આપણે ત્યાં મતદાન કરતા પહેલા શું શું ધ્યાનમાં રાખવું એ બાબતો જેના માટે મતદાન કરવાનું છે એ લોકો જ મતદારોને કહે છે. જાતિવાદ, જ્ઞાતિવાદ, વંશવાદ અને ચેલાચપાટાવાદના સમીકરણો બંધ બેસાડતા બેસાડતા રાજકીય પક્ષો દ્વારા ઘણી વખત એવા એવા ઉમેદવારોની પસંદગી થાય છે કે લોકશાહીનો મતલબ માર્યો જાય છે. અને આવા ઉમેદવારો ચૂંટાઈ પણ જાય છે. લોકશાહીમાં માત્ર કોઈ પક્ષ કે ઉમેદવારને ચૂંટવાનો નથી હોતો. જનતાએ પોતાની પાંચ વર્ષ માટેની ભાવિની દિશા નક્કી કરવાની હોય છે. દુર્ભાગ્યવશ પ્રતિનિધિ પસંદ કરવાની કોઈ માર્ગદર્શિકા નથી. લોકશાહીમાં આખરી અવાજ અને નિર્ણય બેલેટબોક્ષ કે ઈ.વી.એમ.માંથી નીકળે છે વોટ્સએપ કે ફેસબુક કે ટ્વીટરમાંથી નહિ. એટલે આ ભ્રમ ઉભા કરવાની અને ભ્રમનિરસનની મોસમમાં મતદારે નજર વેધક રાખી  અને એ ભ્રમના ધુંધની આરપારનું સત્ય જોઈ લેવાનું છે. એ સત્ય જોઈ લીધા પછી પણ ત્વરિત નિર્ણય ન કરતા એના પર વાજબી શંકા કરીને એને તપાસવાનું છે. મત કિમતી છે, તમે જેના પર ચોકડી મારશો એ જીતવાનો છે.

ક્વિક નોટ — નાદીરશાહે દિલ્હી જીત્યું અને એના માનમાં હાથીની અંબાડી પર સવારી કરી સભા સરઘસ કાઢવા જેવું આયોજન થયું. સીડી પરથી નાદિરશાહ અંબાડી પર ચઢ્યો અને નીચે ઉભેલાને પૂછ્યું કે આ જાનવરની લગામ ક્યાં છે ?  નીચેથી જવાબ આવ્યો કે આની લગામ હોતી નથી, અંકુશ હોય છે અને એ મહાવતના હાથમાં હોય છે. અને મહાવત તમારી આગળ બેઠો છે. નાદિરશાહ હાથી પરથી નીચે ઉતરી ગયો અને કહ્યું કે ”જેની લગામ મારા હાથમાં ન હોય એ જાનવરની સવારી હું કરી શકું નહિ.”