સૌરાષ્ટ્રમાં સોલાર પેનલ લગાડવાના બહાને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવતી ‘ઇન્ટીફાય સોલાર પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીની એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે. ગોંડલના જેતપુર રોડ પર રહેતા હસમુખભાઈ નારણભાઈ કોટડીયા સાથે સોલાર પેનલના નામે રૂ.૧.૬૬ લાખની છેતરપિંડી આચરનાર ગેંગના પાંચ સાગરીતોનો ગોંડલ બી-ડિવિઝન પોલીસે જેલમાંથી કબજો મેળવી તપાસ હાથ ધરી છે. આ છેતરપિંડીની વિગત મુજબ, ફરિયાદીએ ફેસબુક પર સસ્તા દરે સોલાર પેનલ આપવાની આકર્ષક જાહેરાત જોઈ સંપર્ક કર્યો હતો. મુસ્કાન પટેલ નામની મહિલા અને તેના સાગરીતોએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ ૩.૫ કિલો વોટની સોલાર પેનલ માટે લોન અને રોકડ મળી કુલ રૂ.૧,૬૬,૪૬૫ કંપનીના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. મહિનાઓ સુધી પેનલ ન લાગતા હસમુખભાઈએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે થયેલી તપાસમાં આ ગેંગનું મોટું નેટવર્ક બહાર આવ્યું છે.










































