‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ના પાવન અવસર નિમિત્તે લાઠી-બાબરા વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા દ્વારા લાઠી તથા બાબરા ખાતે આવેલા શિવ મંદિરોમાં ધ્વજારોહણ, મહાઆરતી અને પૂજા-અર્ચના જેવા ધાર્મિક કાર્યક્રમો ઉત્સાહભેર યોજવામાં આવ્યા હતા. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે લાઠીના સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર તેમજ બાબરાના સોનપરી મહાદેવ મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિધિવત મહાઆરતી અને ભક્તિભાવપૂર્વક પૂજા કરવામાં આવી હતી. ધારાસભ્યએ ભગવાન શિવની આરાધના કરીને રાજ્ય તથા પ્રદેશની સુખ-સમૃદ્ધિ, શાંતિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો, સંતો-મહંતો, સ્થાનિક આગેવાનો, સામાજિક કાર્યકરો, યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું અને સમગ્ર વાતાવરણ ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.


































