અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સોના-ચાંદીના વેપારી દ્વારા ગ્રાહકો સાથે ગેરરીતી-છેતરપીંડી અંગે જનહિતમાં મુખ્યમંત્રીશ્રી સમક્ષ તપાસની માંગણી કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સહમંત્રીશ્રી નિલેશભાઈ પટેલ (લાલાભાઈ) એ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના મુખ્ય મથકો ઉપર આવેલ સોના-ચાંદીના ઘરેણાના વહેપારીઓ દ્વારા ગ્રાહકોને કોઈપણ જાતની પૂરી જાણકારી સરકારના નિયમો અંગે જણાવતા નથી. મૌખિક રીતે ભાવ તાલ સાથે, સોના-ચાંદીના દાગીના અંગે જે તે દુકાનમાં ભાવપત્રક, ગુણવત્તા તથા લાગુ પડતા ટેક્ષ અંગે વિગતોથી વાકેફ કરાતા નથી. જેનાથી તાજેતરમાં લગ્નપ્રસંગમાં હજારો પરિવારો ક્યાંકને ક્યાંક ગેરરીતી અને છેતરપીંડીનો ભોગ બન્યા.
સોના ચાંદીના રોજબરોજના ભાવ પત્રક ગ્રાહકોને નજરે ચઢે તે પ્રમાણે ભાવપત્રક ના બોર્ડ દુકાનમાં મુકવા જરૂરી છે. સોના ચાંદીના દાગીના-વસ્તુઓ પર વસુલાત થતી મજૂરીનો પણ ભાવપત્રક બોર્ડ ઉપર મુકવો જરૂરી છે. વેપારીઓ દ્વારા માલ મટીરીયલ તેમજ મજુરી ઉપર સરકારી કર જે લેવાતો હોય તે બાબતની માહિતીનું બોર્ડ ગ્રાહકોની જાણ માટે દુકાનમાં મુકવું જરૂરી છે, વહેપારીઓ મજુરી પર સોના પર તેમજ સોના ચાંદીના ઘરેણા માં નાખેલ મોતી સ્ટોન પર સરકારી કર ઉઘરાવે છે પરંતુ સરકારમાં શું જમા થાય છે તે પણ તપાસનો વિષય છે. ગ્રાહકો પાસેથી સોના ચાંદીના સ્ટોનના મણી ડાયમંડ જેવા ભાવમાં રોજબરોજ વધ ઘટ થતી હોવાને કારણે અને દુકાનમાં માહતી બાબતનું બોર્ડ નહિ હોવાને કારણે ગ્રાહકોને છેતરાવવું પડે છે અને વહેપારીઓને ગેરરીતી કરવામાં છૂટ મળે છે. વજનકાંટા નો ડિસ્પ્લે ગ્રાહકોને નજરે ચઢે તેવા મોટા અક્ષર વાળું પણ દરેક દુકાનમાં જોવા મળતું નથી તે પણ એક તપાસનો વિષય છે તેમજ વજનકાંટા ના નિરીક્ષણનું સર્ટીફીકેટ ગ્રાહકોને દેખાય તે રીતે દુકાનમાં મુકવું જરૂરી છે. સોના ચાંદીના દાગીનામાં હોલ માર્ક નો સિક્કો (સર્ટીફીકેટ) પણ નીતીનીયમ મુજબ ગ્રાહકોને મળવું જરૂરી છે આ બાબતમાં પણ ગેરરીતી થાય છે તેવું અમારું માનવું છે. સોના ચાંદીના દાગીના પર ગ્રાહકને મળવા પાત્ર ટોટલ કેટલા ગ્રામ સોનું છે તેનું વજન લખવું પણ જરૂરી છે જેથી ગ્રાહકને ખબર પડે.