મોહિત સુરીની ‘‘સૈયારા’’એ પહેલા જ દિવસે ૨૫ કરોડની કમાણી કરી હોવાના સમાચાર સાંભળતાની સાથે જ મને આ ફિલ્મ જોવાની ઉતાવળ થોડીક ઠંડી પડી ગઈ હતી. પણ ત્યાં તો ત્રીજે દિવસે સમાચારમાં એવા વીડિયો આવવા લાગ્યા કે લોકો ફિલ્મ જોતા જોતા થિયેટરમાં જ આંસુની નદીઓ વહાવી રહ્યા છે અને ભેંકડા તાણી રહ્યા છે. હાઈસ્કૂલમાં હતો ત્યારે ટીવી ઉપર આવતી રાજેશ ખન્નાની ફિલ્મો જોતી વખતે રડવાનો મને અનુભવ હતો. મને થયું કે ચલો રડવા મળતું હોય તો ફિલ્મ જોઈ નાખીએ અને થોડુંક રોઈ નાખીએ. એટલે ૧૮ જુલાઈ ૨૦૨૫ના રોજ રિલીઝ થયેલી ‘‘સૈયારા’’ ૨૫ જુલાઈ ૨૦૨૫ની રાતે જોઈ નાખી. ફિલ્મ જોઈને મને રડવું એ વાતનું આવ્યું કે ફિલ્મ જોતી વખતે ક્યાંય રડવા જ ન મળ્યું. બે ત્રણ ઈમોશનલ સીન વખતે તો મેં રડવાનો ઈરાદાપૂર્વક પ્રયત્ન પણ કરી જોયો તો પણ રડવું આવ્યું નહીં. પછી તો, આમાં એવું હોય કે ગ્લિસરીનનો ખર્ચો પ્રોડ્‌યુસરનો હોય એટલે ફિલમના એક્ટરોને રડવું પોસાય; શ્રોતા તરીકે આપણને ગ્લિસરીનનો ખર્ચો ન પોસાય.
હીરો આહાન પાંડે અને હિરોઈન અનિત પડ્ડાની આ પહેલી પહેલી વારની ફિલ્મ છે. પણ આ લવસ્ટોરીમાં હીરો ક્રીશ અને હિરોઈન વાણીનો પ્રેમ પહેલી પહેલી વારનો નથી. હિરોઈન વાણી (અસલ ઉચ્ચાર: વાની) અગાઉ મહેશ નામના એક શખ્સ સાથે પ્રેમમાં પાગલ થઈ ચૂકી છે પણ એક પાગલ પ્રેમ લગ્નમાં પરિણામે એ પહેલા જ અચાનક મહેશ ડાહ્યો થઈ જાય છે અને એના આઘાતમાં વાણી લગભગ પાગલ જેવી થઈ જાય છે. તે સો ટકા પાગલ નથી થઈ કારણ કે નજીકના ભવિષ્યમાં ગાયક ક્રિશ કપૂર તેની કવિતા પાછળ પાગલ થવાનો છે. ફિલ્મમાં અને વાણીના જીવનમાં હીરોની એન્ટ્રી જોરદાર રીતે થાય છે. વાણી એક પત્રકાર પણ છે અને સાઈડમાં કવિતા પણ લખે છે. ( આપણા ઘણા પત્રકારો સાઈડમાં કવિતા લખે છે અને એ પત્રકાર હોવાને કારણે એમની કવિતાઓ છપાય છે.) પણ આગળ ઉપર પત્રકારત્વ સાઇડ ઉપર રહી જાય છે અને કવિતા મેઈન ટ્રેક ઉપર આવી જાય છે. કારણ કે હીરોને સમાચાર લેખિકા કરતા ગીત લેખિકાની વધારે જરૂર છે.
યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું પ્રેઝન્ટેશન અથવા તો વાર્તાકથન રેગ્યુલર બોલીવુડ ફિલ્મો જેવું જ છે. ફિલ્મની વાર્તાનો અમુક પોર્શન કંઈક નવો છે એની પણ આપણે ના નથી પાડતા. પણ ખાટલે મોટી ખોટ એ છે કે આ ફિલ્મની સ્ટોરી સાઉથ કોરિયન ફિલ્મ ‘‘અ મોમેન્ટ ટુ રીમેમ્બર’’માંથી તફડાવવામાં આવી છે. બંનેમાં હિરોઈન અલ્ઝાઈમર ડીસીઝનો ભોગ બને છે અને તેને અગાઉ છોડી ગયેલો જૂનો પ્રેમી યાદ આવવા લાગે છે. આ અલ્ઝાઈમરને કારણે જ ફિલ્મના પાત્રોને અને દર્શકોને રડાવી શકાય તેવી સ્થિતિ દિગ્દર્શકને પ્રાપ્ત થાય છે. મોમેન્ટ ટુ રીમેમ્બરમાં અલ્ઝાઈમરની એન્ટ્રી હીરોઈનના લગ્ન પછી થાય છે અને ‘‘સૈયારા’’માં લગનનું કંઈ ઠેકાણું પડે એ પહેલા જ પણ અલ્ઝાઈમરની ધીમે પગલે એન્ટ્રી થઈ જાય છે અને વાણી બધું ભૂલવા લાગે છે. ક્રિશને પણ ભૂલવા લાગે છે, પોતાને પણ ભૂલવા લાગે છે. બધું ઉલટસુલટ થઈ જાય છે. જે ભૂલવાનું છે એ પાછું યાદ આવે છે. ફિલ્મમાં રસપ્રદ અને ‘‘રડ’’પ્રદ બાબત છે તે આ જ છે. (એમ ફિલ્મ પાછી સાવ નાખી દેવા જેવી પણ નથી.) વાણીના દિમાગમાં તેનો ભૂતકાળ, વર્તમાન બની જાય છે. તે જૂના પ્રેમી મહેશને મળે છે અને તેને ‘‘ ક્રિશ’’ કહીને સંબોધે છે. મહેશને તે કહે છે કે તેના જીવનમાં તે ફરી આવવા માંગે છે. મહેશ આપણા ટ્રેડિશનલ વીલન જેવું જ માનસ ધરાવે છે એટલે તે વાણીની આ માનસિક સ્થિતિનો ગેરફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે પણ ક્રિશ હીરો હોવાથી તે અચાનક પ્રગટ થાય છે અને મહેશની ધૂલાઈ કરે છે. પણ વાણી તેના વર્તમાન પ્રેમીને ઓળખતી જ નથી એટલે તે ક્રિશ ઉપર છરીથી હુમલો કરી દે છે. ક્રિશ બધી જ પરિસ્થિતિ સંભાળી લે છે પણ પછી થોડીક સ્વસ્થ થયેલી વાણી ક્રિશને મહેશ કહીને બોલાવે છે. આવી ઘણી બધી ક્ષણોમાં ચંકી પાંડેના ભત્રીજા આહાન પાંડેને માત્ર આંખો વડે જોરદાર અભિનય કરવાનો જોરદાર મોકો મળ્યો છે. અનિત અને આહાન, બંનેનું આ ડેબ્યૂ છે તેમ છતાં અભિનયમાં બંને એક્કા છે. અત્યારથી જ બંનેને સ્ટાર કહેવા પડે. આશિકી (૧૯૯૦) પછી રાહુલ રોય અને અનુ અગ્રવાલ ધીમે ધીમે ખોવાઈ ગયા એવું કંઈ ન થાય તો અનિત અને આહાનનું ભવિષ્ય ઉજળું છે. ફિલ્મને દર્શકોએ જેટલી ચડાવી મારી છે એટલી બધી ગ્રેટ ફિલ્મ આ નથી તેમ છતાં જે રીતે ક્રેઝ જામ્યો છે તે જોતા ફિલ્મનું ભવિષ્ય તો ઉજળું છે જ. આ લખાય છે ત્યારે ફિલ્મની કમાણી રૂપિયા ૫૦૦ કરોડ આસપાસ પહોંચી ગઈ છે. રિલીઝ થયાને એકાદ અઠવાડિયું માંડ થયું છે. આ લખાણ છપાઈને વંચાતું હશે ત્યારે તેની કમાણી રૂપિયા ૧૦૦૦ કરોડ આસપાસ થઈ ગઈ હોય તો નવાઈ નહીં. કમાણીની દ્રષ્ટિએ આ ફિલ્મ બ્લોકબસ્ટર છે. વાયઆરએફને અભિનંદન… પણ ક્રાફ્‌ટ્‌સમેનશીપની દ્રષ્ટિએ આ એક ડિઝાસ્ટર
છે. એક ‘‘જાલીમ’’ વાર્તાને મોહિત સૂરીએ ચીલાચાલુ બોલીવુડ સ્ટાઇલમાં રજૂ કરી છે. ફિલ્મ શરૂઆતથી મધ્યભાગ સુધી સરસ છે પણ ક્લાઇમેક્સ જામતો નથી. એક વિદેશી વાર્તાને ભારતીય પરિપેક્ષમાં ઢાળીને કેટલાક ફેરફાર કર્યા જ છે તો વાર્તાના અંતમાં બીજા ઘણા બધા રસપ્રદ ફેરફારો કરીને ફિલ્મને વધુ આકર્ષક બનાવી શકાઇ હોત. ક્લાઇમેક્સ અને અંત સાવ સાદો છે એને બદલે રડવા માટેનો ભરપૂર મસાલો એમાં નાખીને ખરેખર જોરદાર રીતે રડવાલાયક ફિલ્મ બનાવી શકાઈ હોત. મહેશનું પાત્ર હજુ વધારે ડેવલપ કરવાની જરૂર હતી. ક્લાઇમેક્સમાં મહેશ અને ક્રિશનો સંઘર્ષ વધુ ડેવલપ કરવાની પણ જરૂર હતી. વાર્તાનો અંત વધુ ટ્રેઝિક અને વધુ નેગેટિવ બનાવવાની જરૂર હતી. એક સારી વાર્તાને સારી પેઠે વેડફાઈ ગયેલી જોઈને હું ધારું તો ઘણું બધું રડી શકું પણ સમજાતું હોય તો એ મોહિત સૂરીએ રડવું જોઈએ.
naranbaraiya277@gmail.com