અમદાવાદના મણિનગર-ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ માં એક વિદ્યાર્થીની હત્યા થતાં તેના ઘેરા પ્રત્યાઘાતો જાવા મળ્યા છે. આ ઘટના બાદ શાળા સંચાલકો દ્વારા સાવચેતીના ભાગરૂપે આજ અને આવતીકાલ માટે શાળા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના ભાગ રૂપે આજે શાળાઓ બંધ રહેવા પામી હતીવિદ્યાર્થીની હત્યા બાદ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર સેવન્થ ડે સ્કૂલ સંકુલને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. શાળાની બહાર અને કેમ્પસમાં પોલીસ જવાનોને તૈનાત કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શાળાના બોર્ડ પર પ્રીન્સીપાલ દ્વારા સત્તાવાર સૂચના પણ મૂકવામાં આવી છે કે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાને બે દિવસ માટે બંધ રાખવામાં આવે.સેવન્થ ડે સ્કૂલની ઘટનાના વિરોધમાં અને જનતામાં ફેલાયેલા આક્રોશને કારણે મણીનગર, ખોખરા અને ઇસનપુર જેવા વિસ્તારોની મોટાભાગની શાળાઓએ પણ સ્વયંભૂ શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું છે. આ નિર્ણય સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજના આધારે લેવામાં આવ્યો છે. શાળાએ પહોંચેલા વિદ્યાર્થીઓને પણ પરત ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. શાળા સંચાલકોએ જણાવ્યું કે, બજાર અને દુકાનો પણ બંધ હોવાથી અને પરિસ્થિતિની ગંભીરતાને જાતા તેઓએ પણ સ્વયંભૂ બંધ પાળ્યો છે.પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે તકેદારીના ભાગરૂપે, સેવન્થ ડે સ્કૂલની આસપાસના વિસ્તારની દરેક શાળા પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ પગલાંથી સ્થાનિક લોકોમાં સુરક્ષાની ભાવના જળવાઈ રહે અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી શકાય તેવો હેતુ છે. આ ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાએ લોકોમાં ગંભીર ચિંતા ઊભી કરી છે અને આશા રાખવામાં આવે છે કે પરિસ્થિતિ ઝડપથી સામાન્ય થઈ જશે. પોલીસ દ્વારા ગુનેગારોને પકડવા માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.