સુરત જિલ્લાના બારડોલી તાલુકાની. નેશનલ હાઈવે નંબર ૫૩ પર સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સેજવાડ ગામે નહેર પસાર થાય છે. જ્યાં નહેરની બાજુમાંથી મહિલાનો હત્યા કરેલ મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ બાબતે સ્થાનિક બારડોલી ગ્રામ્ય પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સાથે જ જિલ્લા એલસીબીની ટીમ પણ દોડતી થઈ હતી.બનાવ સંદર્ભે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. જેમાં મહિલાને ગળાના ભાગે બોથડ પદાર્થ વડે હત્યા કરાયાની આશંકા હતી. તપાસ દરમિયાન મહિલા કામરેજની રહેવાસી અને આશા દીપક વાંસફોડા તરીકે ઓળખ થઈ હતી. આશાએ તેના પતિ દીપક સાથે સામાજિક રાહે છૂટાછેડા લીધા હતા અને તેના પ્રેમી અર્જુન વાંસફોડા સાથે લિવ ઇનમાં રહેતી હતી. જેથી પોલીસે સમગ્ર હત્યા મામલો પ્રેમી અર્જુન ઉપર જ તપાસ કેન્દ્રિત કરી હતી અને અર્જુન વાંસફોડિયાની પોલીસે ધરપકડ કરી લીધી છે.આશા ગામના જ યુવક અર્જુન વાંસફોડિયા સાથે લિવ ઇનમાં રહેતી હોય બંનેને ન્યાત બહાર મૂકી ૫૦ હજારનો દંડ કરાયો હતો. ૨૦ હજાર ભર્યા પરંતુ બાકી ત્રીસ હજાર આપવા આશાએ અર્જુન પાસે માંગણી કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઘટના દિવસે બંને કાકરાપાર ગયાં અને પરત સેજવાડ નજીક નહેર પાસે બાઇક મૂકી બેઠાં હતાં. તે સમયે અર્જુને આશાને દુપટ્ટા વડે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો.



































