જિલ્લા એસઓજી પોલીસની ટીમે સાયલા તાલુકાના ખીટલા ગામની સીમમાં કપાસની આડમાં ગાંજાનું મસમોટું વાવેતર ઝડપી પાડ્યું છે. ખીટલા ગામની સીમમાંથી કપાસની આડમાં વાવેલા લીલા ગાંજાના ૧૮૦ છોડ ઝડપી પાડ્યા છે. જેનું વજન ૫૫૯ કિલો અને કિંમત રૂપિયા ૨,૭૯,૮૫,૦૦૦ થાય છે. આ સાથે આ ગાંજાનું ગેરકાયદે વાવેતર કરવાના ગુનામાં પોલીસે વાડી માલિકને ઝડપી લઈ ધજાળા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી અવારનવાર ગાંજા, અફીણ સહિતના માદક દ્રવ્યો ઝડપાય છે, ત્યારે વધુ એકવાર આવા માદક દ્રવ્યોનો કાળો કારોબાર ઝડપાયો છે. સાયલા તાલુકાના ખીટલા ગામના રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ ભૂપતભાઈ ખવડએ ખીટલા ગામની પામર નામની સીમમાં આવેલ પોતાની વાડીમાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર કર્યું હતું. જેની બાતમી મળતા સુરેન્દ્રનગર એસઓજી પોલીસે દરોડો કર્યો હતો અને પોલીસે સ્થળ પર તપાસ કરતા કપાસની આડમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર જાવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસે વાડીમાં કપાસની આડમાં વાવેલા લીલા ગાંજાના ૧૮૦ છોડ, જેનું કુલ વજન ૫૫૯ કિલો અને ૭૦૦ ગ્રામ થાય છે, તે તમામને કબજે કર્યા હતા. આ તમામ ગાંજાના જથ્થાની કુલ કિંમત રૂપિયા ૨,૭૯,૮૫,૦૦૦ (બે કરોડ ઓગણએેંશી લાખ પંચ્યાશી હજાર) જેટલી થાય છે. આટલી મોટી માત્રામાં ગાંજા ઝડપાયા બાદ પોલીસ દ્વારા ખેતરમાંથી તમામ ગાંજા ઉખાડવા માટે ૧૨ જીઆરડી જવાનની મદદ લેવામાં આવી હતી અને અંદાજે ૧૯ કલાકની જહેમત બાદ કબજે કરવામાં આવેલ તમામ ગાંજા એક ટ્રેક્ટરમાં ભરવામાં આવ્યો હતો.
ગાંજાના છોડની લંબાઈ એટલી વધી ગઈ હતી કે, આ લીલા છોડ ભરવા માટે કોથળા પણ ટૂંકા પડ્યા હતા. આથી પોલીસે અંદાજે ૧૫થી ૨૦ ફૂટની લંબાઈના પ્લાસ્ટિકના કંતાનનો ઉપયોગ કરવો પડ્યો હતો. ઝડપાયેલ ખેતર માલિક રાજુભાઈ ખવડ પોતાના માટે તેમજ અન્ય ગાંજાના બંધાણી લોકોને વેચવા માટે વાવેતર કરતો હોવાની પણ વિગતો બહાર આવી હતી. ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી ધજાળા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે એવી માહિતી ડ્ઢઅજીઁ પાર્થ પરમારે આપી છે.










































