લગ્નેતર સંબંધોમાં અનેક પરિવારોના માળા વિખેરાઈ ચૂક્યા છે ત્યારે આવો જ એક કરૂણ અંજામની વધુ એક ઘટના હાલ વઢવાણના ફુલગ્રામ ગામેથી સામે આવી છે. જ્યાં એક સસરાએ પોતાની પુત્રવધૂને ગામના જ અન્ય યુવાન સાથે આડા સંબંધ હોવા બાબતે ઠપકો આપતા પુત્રવધૂએ તેના પ્રેમી સાથે મળીને ધોળા દિવસે લાકડા અને પાઇપના ઘા ઝીંકી સસરાને મોતને ઘાટ ઉતારી દીધો છે. જાકે આ બનાવ મામલે જારાવરનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પુત્રવધૂ અને તેના પ્રેમી સહિત કુલ ત્રણ આરોપીને દબોચી લીધા છે, ત્યારે સમગ્ર ઘટનાની માહિતી વાયુવેગે ફેલાતા સુરેન્દ્રનગર પંથકમાં ચકચાર મચી છે.
ઘટનાની વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ફુલગ્રામ ગામે રહેતા ૫૮ વર્ષીય રમેશભાઈ નાનુભાઈ ગાબુ પોતે ડ્રાઇવિંગ કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા, તેમના સંતાનમાં નાનો પુત્ર અશોક પણ ડ્રાઇવિંગના વ્યવસાય સાથે જાડાયેલો હતો. અશોકે ચકુબેન નામની મહિલા સાથે અંદાજે પાંચ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ અગાઉ પણ બે લગ્ન કરી ચૂકેલી ચકુબેનને ફુલગ્રામમાં જ રહેતા સોહિલ રમેશભાઈ જીડિયા સાથે આંખ મળી જતાં બંને વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધ બંધાયો હતો.
અશોક અને તેના પિતા ડ્રાઇવિંગમાં ગયા હોય તેવા સમયે અવારનવાર સોહિલ ઘરે આવતો હતો. જેથી પાપ છાપરે ચડીને પોકારે તેમ ધીરે ધીરે ચકુબેન અને સોહિલના પ્રેમસંબંધ અંગેની જાણ અશોક અને તેના પરિવારજનોને થઈ. જેથી અશોક અને તેના પિતા રમેશભાઈ સહિતના પરિવારજનો દ્વારા આ પ્રેમસંબંધ ન રાખવા ચકુ તેમજ તેના પ્રેમી સોહિલને જણાવ્યું હતું. પરંતુ પ્રેમસંબંધમાં આંધળા બનેલા ચકુ અને સોહિલને રમેશભાઈ તેમના પ્રેમમાં આડખીલીરૂપ લાગતા હતા.
લગ્નેતર સંબંધ બાબતે વારંવાર ઠપકો આપતા સસરા રમેશભાઈ સાથે પુત્રવધૂ ચકુ તથા તેના પ્રેમી સોહિલ અને સોહિલના કૌટુંબિક ભાઈ સુરેશ લખમણભાઇ જીડિયાએ ગઈકાલે ૨૬મી માર્ચને ગુરુવારે રામનવમીના દિવસે સવારમાં ઝઘડો શરૂ કર્યો હતો. સસરાએ પુત્રવધૂ અને તેના પ્રેમીને પ્રેમસંબંધ બાબતે ફરીવાર ઠપકો આપતા ઉશ્કેરાયેલા સોહિલ, સુરેશ અને ચકુ લાકડાના ધોકા, લોખંડના પાઇપ લઈ રમેશભાઈ પર તૂટી પડ્યા હતા અને આડેધડ ઘા મારતા ગંભીર ઈજાઓ પહોંચતા રમેશભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
મારામારીના સમયે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા, પરંતુ રમેશભાઈ પર હુમલો કરનાર પુત્રવધૂ સહિતના ત્રણેય વ્યક્તિઓ પર એક હદે ઝનૂન સવાર હતું કે તેમણે રમેશભાઈની હત્યા નીપજાવી દીધા બાદ જ ઘા કરવાનું બંધ કર્યું હતું. હત્યાના બનાવ બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતાં જારાવરનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા અને હાલ આ ત્રણેય આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ત્યારે લગ્નેતર સંબંધથી સમગ્ર પરિવારને વેરવિખેર કરનાર ચકુ હવે પોલીસ મથકમાં પારાવાર પસ્તાવાનું અને તબિયત ખરાબ હોવાનું નાટક કરીને લોકોની આંખમાં ધૂળ નાખવાનો વ્યર્થ પ્રયાસ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.










































