સુરત શહેરમાં કોલેજની ભૂલના કારણે ૭૦૦ વિદ્યાર્થીઓને નિયત તારીખ પહેલા પરીક્ષા આપવાની ફરજ પડી હતી. શહેરની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાદીપ સાયન્સ કોલેજ દ્વારા નક્કી કરાયેલ તારીખ પહેલા પરીક્ષા લઈ લેતા ૭૦૦ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કર્યું હોવાનું વિદ્યાર્થીઓમાં રોષ ભભૂક્યો છે. તારીખ અગાઉ પરીક્ષા લેવાતા પેપર લીક જેવી સ્થિતિ સર્જાઈ હતી. કોલેજ સંચાલકોની બેદરકારીના પરિણામે ૨ એપ્રિલની જગ્યાએ ૨૭ માર્ચે પરીક્ષા લેવાઈ હતી. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજને ૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
અગાઉ સુરત શહેરની વીર નર્મદ યુનિવર્સિટીમાં નવેમ્બર અને ઓક્ટોબરમાં યોજાયેલ પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ આચરી હતી. ગેરરીતિમાં પકડાયેલા ૧૬૪ વિદ્યાર્થીઓને દંડ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને ૨૫૦૦થી માંડીને ૧૦ હજાર સુધીનો દંડ કરાયો હોવાનું જાણવા મળ્યું હતું. મોટાભાગના વિદ્યાર્થીઓ પર પરીક્ષાઓમાં સાહિત્ય લાવવા અને ગેજેટ લાવવાના કેસ નોંધાયા. તો કેટલાક વિદ્યાર્થીઓ રબર સહિતની સ્ટેશનરી પર જવાબ લખીને લાવ્યા હતા. તેમજ ઉત્તરવહીમાં વિગતો ભરવામાં જાણી જાઈને ભૂલ કરી હોય તેવા કેસ પણ સામે આવ્યા હતા. જા કે વિદ્યાર્થીઓએ ગેરરીતિ મામલે ભૂલ થઈ ગઈ હોવાનું કમિટી સમક્ષ કબુલાત કરી હતી. આમાંથી કેટલાક વિદ્યાર્થીઓને તેમની સામાન્ય ભૂલને નિર્દોષ છોડી દેવાયા હતા.