સુરતના જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા ‘વિચારોનું વાવેતર’ શ્રેણીના ૧૪૫મા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા કાનજીભાઈએ ‘હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસ’ પર ભાર મૂકતા જણાવ્યું કે, જીવનમાં જીત હંમેશા મહેનત અને મૂલ્યોની થાય છે. તેમણે સુખી જીવન માટે પાંચ સૂત્રો આપ્યાઃ સખત મહેનત, ઊંચા ધ્યેય, સ્વ-પ્રેમ, પરિવાર પ્રત્યે લગાવ અને કરુણા. મહિલા ઉદ્યોગ સાહસિક અને ‘મહિલા પ્રોગ્રેસ એલાઈન્સ’ના ફાઉન્ડર હિમાની ભુવાનું ‘સમાજ ગૌરવ સન્માન’ કરવામાં આવ્યું. તેમણે નવી પેઢીને સત્ય, પ્રામાણિકતા અને સમસ્યાને બદલે ઉકેલ પર ધ્યાન આપવા શીખ આપી હતી. સ્વ. ભનુભાઈ ધાનાણીની સ્મૃતિમાં ધાનાણી પરિવાર દ્વારા વિદ્યાર્થી ભવનમાં રૂમનું દાન આપવામાં આવ્યું. આ સાથે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેકટર તરીકે પસંદ થયેલા પ્રદીપ કાપડિયાનું પણ સન્માન કરાયું હતું. સુરતમાં વધતા સ્ટ્રેસ અને આત્મહત્યાના કિસ્સા સામે શહેરને ‘હેપ્પી અને હેલ્ધી સિટી’ બનાવવા માટે સમાજને જાગૃત થવા આહ્‌વાન કરવામાં આવ્યું હતું.