શહેરમાં ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના રડારમાં આવી ગયું છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન બેંગકોકથી આવેલી ફ્લાઈટમાંથી કરોડો રૂપિયાનો હાઈડ્રોપોનિક ગાંજા ઝડપાતા સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.
એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ નંબર આઇએકસ-૨૬૩ બેંગકોકથી સુરત આવી પહોંચી હતી. શંકાસ્પદ હલચલને ધ્યાનમાં રાખીને એર ઇન્ટેલિજન્સ યુનિટે ફ્લાઈટમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અધિકારીઓને જે મળ્યું તે જાઈને તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
એરક્રાફ્ટની સીટ નંબર ૨૮એ, ૨૮બી, ૨૮ઈ અને ૨૮એફની પાછળ ખૂબ જ ચાતુરાઈપૂર્વક બ્રાઉન ટેપથી વીંટાળેલા વેક્યૂમ પેકેટો છુપાવવામાં આવ્યા હતા. કુલ સાત પેકેટોમાંથી ૧૯૭૨.૨૦ ગ્રામ હાઈડ્રોપોનિક ગાંજા મળી આવ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની અંદાજિત કિંમત રૂપિયા ૧.૯૦ કરોડ ગણાવવામાં આવી રહી છે.
મામલો સામે આવતા જ કસ્ટમ વિભાગે તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. સાથે જ શંકાના આધારે બે મુસાફરોને કસ્ટડીમાં લઈ સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલ્યું કે એક આરોપી ઉત્તર પ્રદેશના બાગપતનો છે જ્યારે બીજા દિલ્હીનો રહેવાસી છે.
સખત પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ ગુનામાં પોતાની સંડોવણી કબૂલી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. તેઓ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથે જાડાયેલા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ કેસમાં મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે સુરતથી દિલ્હી જતી ફ્લાઈટ આઇએકસ-૧૨૬૪ માટે તૈયાર થઈ રહેલા ત્રીજા શખ્સને પણ ઝડપી પાડવામાં આવ્યો. માનવામાં આવી રહ્યું છે કે આ ત્રણેય વચ્ચે ડ્રગ્સ સપ્લાય ચેઇનનો સીધો કનેક્શન છે.
સુરક્ષા વ્યવસ્થા પર સવાલોવિમાનની અંદર આ રીતે ડ્રગ્સ છુપાવી શકાય તે હકીકતએ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. શું આંતરરાષ્ટ્રીય સ્તરે સુરત એરપોર્ટ ડ્રગ્સ માફિયાઓ માટે ‘સોફ્ટ ટાર્ગેટ’ બની રહ્યું છે? એ મુદ્દે હવે તપાસ એજન્સીઓ વધુ સક્રિય બની છે. કસ્ટમ અને અન્ય એજન્સીઓ હવે આ સમગ્ર નેટવર્કનો ભેદ ઉકેલવા માટે વધુ તપાસ કરી રહી છે. આ કેસમાં વધુ લોકોની સંડોવણી બહાર આવે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.આ ઘટનાએ સુરત એરપોર્ટ પર સુરક્ષા કડક કરવાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર કરી છે.