સુરત શહેરના પાલ વિસ્તારમાં ગત રોજ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પાલ સ્થિત સુમન મુદ્રા આવાસમાં રહેતા ૫૫ વર્ષીય સંતોષ ભીખાજી દાભોલકર દ્વારા અગ્નસ્નાન કરી આપઘાત કરવામાં આવ્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર ફેલાઈ ગઈ છે.
મૃતક સંતોષ દાભોલકરના બહેન અને કાકાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, સંતોષભાઈ છેલ્લા કેટલાક સમયથી પત્ની અને દીકરીઓના માનસિક ત્રાસને કારણે પરેશાન હતા. પરિવારજનોએ દાવો કર્યો છે કે ઘરમાં સતત કંકાસ અને અપમાનજનક વર્તનના કારણે તેઓ ડિપ્રેશન જેવી સ્થિતિમાં આવી ગયા હતા.
પોલીસ તપાસમાં બહાર આવેલી પ્રાથમિક માહિતી મુજબ સંતોષ દાભોલકર અને તેમની પત્ની આશાબેન મર્જના વચ્ચે વારંવાર પૈસાની બાબતે ઝઘડા થતા હતા. ૩૧ જાન્યુઆરીના રોજ સંતોષભાઈએ આશરે ૭૦૦૦ રૂપિયાની માગણી કરી હતી, પરંતુ પૈસા ન આપતાં દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
આ બનાવ બાદ આશાબેન પોતાની બે દીકરીઓ સાથે ભાઈના ઘરે જતી રહી હતી. પરિવારના જણાવ્યા અનુસાર, ગત રોજ સંતોષભાઈ પત્નીના ભાઈના ઘરે બહાર ગયા હતા. ત્યાં તેઓએ પોતાના શરીર પર પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવી લીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા સંતોષભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ આજે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
ઘટના અંગે પોલીસને જાણ થતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ગુનો દાખલ કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પત્ની દ્વારા અગાઉ પતિ સામે ત્રાસ અને પૈસાની માગણી અંગે કોઈ ફરિયાદ નોંધાઈ હતી કે નહીં તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે. મૃતકના બહેન અને કાકાએ માગણી કરી છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થવી જાઈએ અને જા કોઈ વ્યકિત માનસિક ત્રાસ માટે જવાબદાર હોય તો તેમના સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
પાલ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે ઘટના અંગે તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. પડોશીઓ તથા પરિવારજનોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને મોબાઇલ કાલ ડિટેલ્સ સહિતના પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર ઘરકંકાસ અને માનસિક તણાવના પ્રશ્નોને ઉજાગર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, પરિવારમાં સંવાદનો અભાવ અને આર્થિક તણાવ ક્યારેય ગંભીર પરિણામો તરફ દોરી શકે છે, જેને અટકાવવા માટે સમયસર સમાધાન અને કાઉન્સેલિંગ જેવી મદદ જરૂરી બનતી હોય છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકતો સ્પષ્ટ બનશે, પરંતુ હાલ સમગ્ર વિસ્તાર આ દુઃખદ ઘટનાથી શોકમગ્ન છે.