શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતા એક હોમિયોપેથી ડાક્ટરે કુટુંબકલહથી કંટાળી આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. ડાક્ટર ભાવેશ ક્વાડ (ઉંમર અંદાજે ૩૦ વર્ષ)એ હોટલના રૂમમાં એનેસ્થેસિયાનું ઇન્જેકશન લઇ જીવલીલા સમાપ્ત કરી દીધી હતી.માહિતી મુજબ ડા. ક્વાડે આપઘાત પહેલાં એક સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે પત્ની સાથેના સતત વિવાદને કારણે તેમણે આ પગલું ભર્યું છે. પત્ની અમદાવાદમાં રહે છે અને છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો.પોલીસને મળેલી પ્રાથમિક માહિતી મુજબ બે વર્ષ પહેલાં ભાવેશ ક્વાડના લગ્ન થયા હતા. છેલ્લા કેટલાક મહિનાથી દંપતિ વચ્ચે મતભેદો વધતા જતા હોવાથી ડાક્ટર માનસિક તણાવમાં હતા.ગોડાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને સ્યુસાઇડ નોટને ફોરેન્સિક તપાસ માટે મોકલી છે. આ બનાવથી તબીબી જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.







































