ડાયમંડ સિટી સુરતના વેસુમાંથી એક કરૂણ ઘટના સામે આવી છે. વેસુના ‘હેપી એલિગન્સ’ બિલ્ડીંગ માં રહેતા બાલમુકુન્દ પરિવારે વ્યાજખોરના અસહ્ય ત્રાસથી કંટાળીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પતિ-પત્ની અને એક માસૂમ દીકરીનું મોત નીપજ્યું છે, જ્યારે બીજી દીકરીનો સદનસીબે આબાદ બચાવ થયો છે.
વેસુ વિસ્તારની હેપી એલિગન્સ બિલ્ડીંગ માં બાલમુકુન્દ પ્રકાશ ખેદ પોતાના પરિવાર સાથે રહેતા હતા. આ પરિવારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ દુર્ભાગ્યવશ બાલમુકુન્દ ખેદ, તેમના પત્ની અને એક દીકરી (ઉંમર આશરે ૫ થી ૭ વર્ષ)નું મોત નિપજ્યું છે. જ્યારે પરિવારની બીજી દીકરીનો જીવ બચી ગયો છે, જે હાલ હોસ્પિટલ માં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસને ઘટનાસ્થળેથી ત્રણ પાનાની એક સુસાઇડ નોટ મળી આવી છે. આ ચિઠ્ઠીમાં વૈભવ રુંગટા નામના શખ્સનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે વૈભવ રુંગટા આ પરિવારને રૂપિયા માટે સતત માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. આરોપીએ બાલમુકુન્દના ક્રેડિટ કાર્ડ પણ પડાવી લીધા હતા. થોડા દિવસો પહેલા જ આરોપીએ પરિવારનું મોપેડ (ટુ-વ્હીલર) પણ બળજબરીથી કબજે કરી લીધું હતું. વૈભવ રુંગટાના ત્રાસ અને આર્થિક પાયમાલીને કારણે પરિવારે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું સુસાઇડ નોટ પરથી જણાય છે.
ઘટનાની ગંભીરતાને જાતા વેસુ પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આરોપી વૈભવ રુંગટા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે પરિવારજનોએ લખેલી ત્રણ પાનાની સુસાઇડ નોટને કબજે કરીને એફએસએલની મદદ લેવામાં આવી રહી છે. આ ઘટનાએ સુરત શહેરમાં ચકચાર મચાવી દીધી છે. મૃતક મહિલાના પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તેમના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.









































