સુરતમાં સતત સાતમા વર્ષે શહેરમાં ૧૦૦ ટકા વરસાદ નોંધાયો છે. સુરતમાં છેલ્લા ૧૮ કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકયો છે. સૌથી વધુ ૫.૫૦ ઇંચ વરસાદ વરાછા ઝોન વિસ્તારમાં પડ્યો છે. જ્યારે સૌથી ઓછો દોઢ ઇંચ વરસાદ અઠવા ઝોનમાં વરસ્યો છે.ચોમાસુ પૂરુ થવાને દોઢ મહિનો બાકી છે તે પહેલાં જ સીઝનનો ૧૦૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ૨૦૨૩ના વર્ષને બાદ કરતાં સતત સાતમા વર્ષે ૧૦૦ ટકાથી વધુ વરસાદ પડયો છે. આ વર્ષે ૧૨૫ ટકા સુધીનો વરસાદ થવાની પ્રબળ સંભાવના છે. આ ઉપરાંત આજે હળવાથી મધ્યમ વરસાદ પડવાની વકી છે.વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત્ છે. તમામ તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. કપરાડામાં છેલ્લા ૨૪ કલાકમાં ૮.૨૬ ઇંચ વરસાદ પડયો હતો. વલસાડમાં ૩.૭ ઇંચ, ધરમપુરમાં ૪.૯૨ ઇંચ, પારડીમાં પાંચ ઇંચ, ઉમરગામમાં પાંચ ઇંચ, વાપીમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. હજી પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે.ઉપરવાસમાં ભારે વરસાદથી મધુબન  ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. મધુબન ડેમમાં ૪૪ હજાર ક્યુસેક જેટલા પાણીની ભરપૂર આવક થઈ છે. પાણીની ભરપૂર આવકા પગલે ડેમના આઠ દરવાજા ૧.૨૦ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી ૪૫ હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. પાણી છોડવામાં આવતા કિનારાના અનેક લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.જૂનાગઢમાં પણ ભારે વરસાદના કારણે ઘેડના ગામો જળબંબાકાર થયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસતા ભારે હાલાકી પડી છે. ઓઝત નદીન પાણી રસ્તા પર ફરી વળતા રસ્તાઓ બંધ થયા છે. સામરડા, ઘેડ, ફુલરામા, બગસરા, ઘોડાદર સહિતના વિસ્તારોમાં પાણી ફર્યા છે. તમામ ગામોના રસ્તા બંધ થતાં ઘેડ પંથક સંપર્કવિહોણો થઈ ગયો છે. છેલ્લા બે દિવસથી અતિભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર છે.ભાવનગર શહેરની જીવાદોરી સમાન શેંત્રુજી ડેમ છલકાયો છે. ૧૫ વર્ષ બાદ શેતંરુજી ડેમ સીઝનમાં સળંગ ચોથી વાર છલકાયો છે. ઉપરવાસમાં પાણીની વિપુલ આવકથી ડેમ છલોછલ ભરાયો છે. પાણીની જબરદસ્ત આવકના લીધે બે દિવસમાં સાતમી વખત ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ગુરુવારે સવારે પણ ડેમના ૨૦ દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. તેના લીધે ૧,૮૦૦ ક્યુસેક પાણીની આવક સામે ૧,૮૦૦ ક્યુસેકની જાવક શરૂ થઈ છે.ડેમમાંથી પાણી છોડવામાં આવતા ૧૨ જેટલા ગામોને સાવધ કરવામાં આવ્યા હતા. પાલીતાણા પાંચ અને તળાજાના ૧૨ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાના નવ ડેમ પણ છલકાયા છે. રજાવળ, માલણ, રંઘોળા, હણોલ, પીંગળી, બગડ, રોજકીમાં, કાળુભાર ડેમ પણ ઓવરફલો થયા છે.