શહેરમાં નશાના કારોબારને જળમૂળમાંથી ઉખેડી નાખવા માટે સુરત પોલીસ કટિબદ્ધ છે, ત્યારે રાંદેર પોલીસની ટીમે બાતમીના આધારે તાડવાડી શાકભાજી માર્કેટમાં દરોડો પાડી, શાકભાજી વેચવાની આડમાં નશાનો કાળો કારોબાર કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી પોલીસને શાકભાજીને બદલે જીવલેણ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે.
તાડવાડી શાકમાર્કેટમાં એક ઈસમ નશાકારક પદાર્થ સાથે ઉભો છે. આ અંગેની બાતમી મળતા પોલીસે તાત્કાલિક ઓપરેશન હાથ ધરી ૩૦ વર્ષીય નઝીલ રસીદ સૈયદ ને પકડી પાડ્યો હતો. આરોપી વ્યવસાયે શાકભાજીનો વેપારી છે, પરંતુ પોલીસની નજરથી બચવા માટે તેણે ભીડભાડવાળા શાકમાર્કેટને ડ્રગ્સ વેચવાનું સુરક્ષિત સ્થળ બનાવ્યું હતું.
પોલીસે આરોપી પાસેથી ૧૭.૭૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કર્યું છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. ૫૩,૧૦૦ જેટલી થાય છે. આ ઉપરાંત તેની પાસેથી રોકડા રૂ. ૩,૮૮૦ પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નઝીલ અગાઉ પણ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.
પકડાયેલા આરોપીની પૂછપરછમાં ડ્રગ્સના નેટવર્કનો ખુલાસો થયો છે. આ જથ્થો પૂરો પાડવામાં ઉઝેફ શેખ અને શોયેબ નામના બે શખ્સોની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે. રાંદેર પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સનો જથ્થો ક્્યાંથી લાવવામાં આવ્યો હતો અને શહેરના કયા અન્ય યુવાનોને તે વેચવાનો ટાર્ગેટ હતો.