સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા ગુરૂવારે યોજાયેલ ૧૪૬ માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમ યોજાયો હતો. કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, પૃથ્વી પર માણસ એક માત્ર એવો જીવ છે જે પોતે જેવું વિચારે અને અનુભવે તે પ્રમાણે પોતાનું જીવન શાસ્ત્ર એટલે કે જીવન બદલી શકે છે. આ તકે શહેરના જાણીતા ફીઝીયોથેરાપીસ્ટ અને મેરેથોનરનર ડો. આશિષ કાપડિયાએ આરોગ્ય અને તંદુરસ્તી વચ્ચેનો તફાવત સમજાવતા જણાવ્યું હતું કે, કસરતથી આયુષ્ય વધશે તે નક્કી નથી પરંતુ જીવનની ગુણવત્તામાં વધારો જરૂરથી થશે. શરીરને કસરતની સાથે સારો ખોરાક અને આરામ પણ આપવો જોઈએ. માત્ર દેખાદેખીથી દોડવા કે કસરતમાં લાગી જવું જોઈએ નહી. શરીરની તંદુરસ્તી ચેક કર્યા પછી જ કસરત કે જીમમાં જવું જોઈએ. વ્યક્તિ જેટલો રમત-ગમત સાથે જોડાયેલો રહેશે તેટલા તેના વિચારો મજબુત થશે. તેને આત્મહત્યાના વિચારો નહિ આવે. આ પ્રસંગે તાપી રનર્સ ગ્રુપના ડો. અલ્પેશભાઈ કળથીયા, નિર્મળસિંહ ગોહિલ, બીપીનભાઈ સાવલિયા, ડો. નરેન્દ્ર ભલોડીયા, દિશાંક વેકરીયા અને ડે. કલેકટર દિલીપભાઈ વાઘેલા ઉપÂસ્થતી રહ્યા હતા. તેમણે સાઉથ આફ્રિકામાં ૯૦ કિ.મીની કમરેડ મેરેથોન પૂર્ણ કરી તે બદલ તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં દુબઈ ખાતે રમાયેલ રોલબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપ ૨૦૨૫માં ભારતની મહિલા અને પુરૂષ બંને ટીમ ચેમ્પિયન બની છે. આ ટીમમાં ગુજરાતમાંથી બે-બે ખેલાડીઓ બંને ટીમમાં રમ્યા હતા. મહિલા ટીમમાં સુરતના રીની સંજયભાઈ રૂપાવટીયા તથા કાવ્યા રોહિતભાઈ નાકરાણી રમ્યા હતા અને પુરૂષોની ટીમમાં યશ અનિલભાઈ રાશીયા અને યશ કિશોરભાઈ ચુડાસમા રમ્યા હતા. અને બંને ટીમે વર્લ્ડ ચેમ્પિયન અને ગોલ્ડ મેડલ મેળવ્યા છે. ત્યારે રાષ્ટ્રનું ગૌરવ એવા ચારેય ખેલાડીઓનું સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સન્માન કરાયું હતું.