સુરતના લિંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સંબંધીઓના ઘરે આવેલ માતા અને પુત્રી મકાનના પહેલા માળેથી અચાનક નીચે પટકાયા હતા. સમગ્ર ઘટના નજીક લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
માહિતી મુજબ માતા-પુત્રી કોઈ કામસર સંબંધીઓના ઘરે આવ્યા હતા. અચાનક ધડામના અવાજ સાથે બંને નીચે પડી જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનાના ઝ્રઝ્ર્ફ ફૂટેજમાં બંને પહેલા માળેથી નીચે પડતા દેખાઈ રહ્યા છે. સદનસીબે ગંભીર ઈજા થવા છતાં બંનેનો ચમત્કારિક બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.
લિબાયતના જે વિસ્તારમાં આ ઘટના બની, ત્યાં ‘ધન દાઈ માતા પ્રસન્ન’ નામનું એક નવું મકાન બની રહ્યું છે. આ નવનિર્મિત મકાન કેવું બન્યું છે તે જાવાના ઉત્સાહમાં માતા અને તેની નાની પુત્રી પહેલા માળે ગયા હતા. મકાન હજુ નિર્માણાધીન હોવાથી બાલ્કનીમાં રેલિંગ કે અન્ય કોઈ સુરક્ષાની આડશ મૂકવામાં આવી નહોતી, જે આ અકસ્માતનું કારણ બની હતી.
સ્થાનિક લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી બંનેને નજીકની હોસ્પિટલ માં સારવાર માટે ખસેડ્યા હતા. હાલ બંનેની સ્થિતિ સ્થિર હોવાનું સૂત્રો જણાવે છે. ઘટનાના ચોક્કસ કારણ અંગે સ્પષ્ટતા થઈ નથી. અકસ્માત હતો કે અન્ય કોઈ કારણસર બંને નીચે પટકાયા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે અને લોકોમાં ચિંતા વ્યાપી છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને સ્થળની તપાસના આધારે સમગ્ર મામલો સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.









































