સુરતમાં ફરી એક વાર કરુણ અને દુઃખદ ઘટના બની છે. અહીં એક દિવસ અગાઉ એક મહિલાએ પોતાના બે કુમળા સંતાનો સાથે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સુરત રેલવે સ્ટેશન પર એક ૩૦ વર્ષીય મહિલાએ પોતાના બે ૫ વર્ષીય અને ૨ વર્ષીય સંતાનોને લઈને આપઘાતનો પ્રયાસ કર્યો. મહિલા પોતાના બાળકોને સાથે લઈને આપઘાત કરવા માટે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ. એક માલગાડી તેમના પરથી પસાર થઈ ગઈ, અને આ ઘટનામાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે તેના બંને બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાંથી એક બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
મહિલાના આપઘાત પછી તેમના બાળકોને તાત્કાલિક ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન મૃતક મહિલાના બે વર્ષીય દીકરાનું મોત થઈ ગયું. આ અંગે પોલીસે તપાસમાં સામે આવ્યું કે મૃતક મહિલાનું નામ જયશ્રી પ્રજાપતિ છે, જેને પોતાના બાળકો ૨ વર્ષીય નક્ષ પ્રજાપતિ, ૫ વર્ષીય દેવાંશી પ્રજાપતિને સાથે રાખીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ૩૦ વર્ષીય જયશ્રીબેન હિતેશભાઈ પ્રજાપતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જા કે તેમના બંને બાળકોને માથામાં ગંભીર ઇજા થતા તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ૨ વર્ષના બાળક નક્ષ પ્રજાપતિનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું. જયારે ૫ વર્ષીય દેવાંશી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. દેવાંશી મોડી રાત્રે ભાનમાં આવતા મારી માતા ક્યાય છે નું રટણ કરતી રહી.
માહિતી પ્રમાણે, મૃતક મહિલા જયશ્રીબેન સુમુલ ડેરીમાં નોકરી કરતા હતા. તેઓ સુરતમાં કતારગામ વિસ્તારમાં સાસુ અને બે બાળકો સાથે રહેતા હતા. તેમના પતિ હિતેશભાઈ વડોદરામાં રહે છે. જો કે હજુ પણ એ સ્પષ્ટ નથી કે મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો. જો કે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે મહિલાના સાસુ સાથે ઝઘડાના કારણે આપઘાતનું પગલું ભર્યું હોઈ શકે. જયશ્રીબેનના પતિ હિતેશ પ્રજાપતિ ૩ મહિનાથી વડોદરાની હરણી જેલમાં છે. પતિના પણ કોઈ અન્ય મહિલા સાથેના સંબંધ હોવાની શંકાને કારણે પણ જયશ્રીબેને આપઘાતનું પગલું ભર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
મહિલાના સંબંધી સ્મીમેર હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. મહારાષ્ટÙથી સુરત આવેલા એક મુસાફરે બંને બાળકોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. બાળકોને હોસ્પિટલ ખસેડીનાર ખલીલ શાહે સમગ્ર આંખો દેખી માહિતી આપી. તેમણે કહ્યું, “હું ટ્રેનમાંથી બહાર આવ્યો, ત્યારે બહાર ભીડ વધારે હતી. ત્યાં જઈને જાણવા મળ્યું કે મહિલાએ બે બાળકોને લઈને આપઘાત કર્યો છે. મહિલા તો કપાઈ ગઈ હતી, પણ બાળકોને માથાના ભાગે ઘણી ઈજા થઈ હતી. મેં ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કર્યો. એમ્બ્યુલન્સમાં બાળકોને લઈને હું હોસ્પિટલ આવ્યો. ડોકટરોએ તરત જ સારવાર ચાલુ કરી દીધી. બાળકોના કોઈ પરિજનો આવ્યા ન હતા, એટલે હું અહીં રોકાયો. હવે બાળકોના પરિજનો આવી ગયા છે, એટલે હું હવે તેમની પરવાનગી માંગીને જતો રહીશ.”