દરિયા કિનારાના પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુસર ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત આયોજન હેઠળ ૯થી ૧૧ જાન્યુઆરી દરમિયાન આયોજિત ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો ભવ્ય અને રંગારંગ પ્રારંભ થયો છે. ફેસ્ટિવલનું ઉદ્ઘાટન સાંસદ મુકેશભાઈ દલાલ અને ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન સમારોહમાં સાંસદ મુકેશભાઈ દલાલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય કુદરતી સંપદાઓથી સમૃદ્ધ છે. સુવાલીના દરિયાકિનારાને એક રમણીય અને આધુનિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. સુરત સહિત આસપાસના વિસ્તારોના લોકોને રોજગારીની નવી તકો મળશે તેમજ પ્રવાસન પ્રેમીઓ માટે સુવાલી બીચ આકર્ષણનું કેન્દ્ર બનશે.
ચોર્યાસીના ધારાસભ્ય સંદિપ દેસાઈએ છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા વિકાસકામોની વિગતો આપતા જણાવ્યું કે, વર્ષ ૨૦૨૩માં રૂ. ૬ કરોડના ખર્ચે સુવાલી તરફ જતો માર્ગ ૧૦ મીટર પહોળો બનાવાયો. માર્ગ અને મકાન વિભાગે રૂ. ૨.૨૦ કરોડના ખર્ચે વિશ્રામગૃહને મંજૂરી આપી. રૂ. ૪૦ લાખના ખર્ચે ૧૦૦ ફૂટ ઊંચો હાઈમાસ્ટ ટાવર સ્થાપિત કરાયો.એએંમએનએસ ઇન્ડિયાના સીએસઆર ફંડથી ૩૫૦ સોલાર લાઇટ્‌સ સ્થાપિત કરાયા છે. રૂ. ૩૦ લાખના ખર્ચે બીચ પોલીસ ચોકી અને વોચ ટાવર બનાવાયા છે.
ફેસ્ટિવલના પ્રથમ દિવસે સંધ્યા સમયે પ્રખ્યાત લોકગાયક પિતા-પુત્ર ઓસમાણ મીર અને આમીર મીરએ પોતાની સુમધુર ગાયકીથી સમારોહને સંગીતમય બનાવી દીધો. લોકગીતો, પ્રાચીન-અર્વાચીન રચનાઓ અને ભક્તિગીતોની પ્રસ્તુતિએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા.
ખાસ કરીને સોમનાથ સ્વાભિમાન પર્વના અવસરે ઓસમાણ મીરે શિવ તાંડવ, નગર મે જાગી આયા અને શિવને ભજા દિન ને રાત જેવી શિવવંદનાની ભાવવાહી રજૂઆત કરી, જેને દર્શકોએ ઊભા રહી તાળીઓથી વધાવી.
સુવાલી બીચ ફેસ્ટિવલમાં તમામ વયજૂથના લોકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બીચ વોલીબોલ, દોરડા ખેંચ, કાઈટ્‌સ, ઊંટસવારી, કમાન્ડો નેટ, બર્મા બ્રિજ, રોપ ક્લાઈÂમ્બંગ, બાળકો માટે રમતો, મહેંદી, ચિત્રકળા, ફૂડ કોર્ટ, હસ્તકલા અને ક્રાફ્ટ સ્ટોલ્સનો સમાવેશ થાય છે.
એકંદરે, સુવાલી બીચ ફેસ્ટિવલ સુરત અને આસપાસના વિસ્તારોના લોકો માટે મનોરંજન, પ્રવાસન અને સંસ્કૃતિનો અનોખો સંગમ બની રહ્યો છે. દરિયાકિનારાનો આહલાદક માહોલ, સંગીત, રમતો અને સાહસિક પ્રવૃત્તિઓ સાથે આ ત્રિદિવસીય ઉત્સવ સુરતીઓ માટે યાદગાર બન્યો છે.