દિલ્હીમાં તાજેતરમાં બનેલી બોમ્બ બ્લાસ્ટની ઘટના વચ્ચે સુરત શહેરમાં પણ ચકચાર મચાવતો એક બનાવ સામે આવ્યો હતો. રાંદેર વિસ્તારમાં એક સુટકેસ બિનવારસી હાલતમાં મળી આવતાં લોકોમાં દહેશત ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસના કંટ્રોલ રૂમમાં સવારના ૧૧ વાગ્યે કોલ મળતાં પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.
રાંદેર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ આર.જે. ચૌધરીના નેતૃત્વમાં પોલીસનો કાફલો, સ્નિફર ડોગ સ્ક્વોડ અને બીડીડીએસ (બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તકેદારીપૂર્વક આખું સ્થળ કોર્ડન કરીને આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો.
સ્નિફર ડોગ દ્વારા સુટકેસની તપાસ અને ટીમે સ્કેનિંગ કર્યા બાદ જણાવ્યું કે, સુટકેસમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ નથી. તપાસમાં સામાન્ય કપડાં અને વ્યક્તિગત વસ્તુઓ જ મળી આવી હતી. જેના પગલે પોલીસે હાશકારો વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, અમને કંટ્રોલ રૂમ મારફતે બિનવારસી બેગ અંગે જાણ મળી હતી. તાત્કાલિક કાર્યવાહી કરી બીડીડીએસ ટીમને બોલાવવામાં આવી. તપાસ બાદ કોઈ વિસ્ફોટક અથવા ખતરનાક વસ્તુ મળી નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે, બેગ કોણે મૂકી તે બાબતે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરાઈ છે. જા ટીખળખોરી કે અશાંતિ ફેલાવવાના ઇરાદે આ બેગ મૂકી હશે તો જવાબદાર સામે કાયદેસર પગલાં લેવામાં આવશે.
દિલ્હીમાં બનેલા વિસ્ફોટના કિસ્સાને કારણે સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. તેવી સ્થિતિમાં સુરતમાં બિનવારસી સુટકેસ મળતાં તંત્રે કોઈ જાખમ ન લેતાં ઉચ્ચસ્તરની તકેદારી રાખી તપાસ હાથ ધરી હતી.





































