સુરત,તા.૧૭
સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અવાર-નવાર ચર્ચામાં રહે છે. ત્યારે હાલ ફરીથી કુમાર કાનાણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલાં એક પત્રના કારણે ચર્ચામાં આવ્યા છે. ધારાસભ્યએ પત્ર લખી સુરત તેમજ હીરા ઉદ્યોગની કથળતી સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી સરકાર પાસે મદદ માગી છે. કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી હીરા ઉદ્યોગ માટે પણ ટેક્સટાઇલ પોલિસીની જેમ ડાયમંડ પોલિસીની માંગ કરી છે. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કુમાર કાનાણીએ કહ્યું કે, ગુજરાત સરકાર દ્વારા પાંચ વર્ષ માટે નવી ટેક્સટાઇલ નીતિ જાહેર કરવા માટે ખૂબ-ખૂબ અભિનંદન. ટેક્સટાઇલ પોલિસીથી કાપડ ઉદ્યોગને વેગ મળશે અને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારીનું સર્જન થશે. ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ પછી બીજા નંબરે સૌથી વધુ રોજગારી આપતા ઉદ્યોગ એટલે ડાયમંડ ઉદ્યોગ, જેના માટે પણ પોલિસી જાહેર કરવી જોઈએ.