સુરતમાં આઈટી વિભાગે જાણીતા બિલ્ડર્સ અરિહંત ગ્રુપ અને સંગીની ગ્રુપ સહિતના બિલ્ડર્સને ત્યાં તપાસ હાથ ધરી છે. આશરે શહેરના ૩૫ ઠેકાણાંઓ પર આઇટી વિભાગે તપાસ ચાલુ કરી છે. કુલ પાંચ બિલ્ડર ગ્રુપ સામે તપાસ ચાલુ કરવામાં આવતા મોટી કર ચોરી સામે આવે તેવી શક્યતા છે. અશેસ દોશી અને મહેન્દ્ર-ચંપક ગ્રુપ વિરૂદ્ધ પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આઈટી વિભાગે બેંક, લોકર અને રોકાણ મુદ્દે તપાસ હાથ ધરી છે.આઇટી દ્વારા પાડવામાં આવેલા દરોડામાં વડોદરા અને અમદાવાદના અધિકારી સામેલ છે અને જેમાં ૧૦૦ જેટલાં અધિકારીઓના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ૭ દિવસ પુર્વે ૨૩ નવેમ્બરના રોજ અમદાવાદ શહેરમાં ઇનકમ ટેક્સ વિભાગે રત્નમણિ મેટલ્સ પર દરોડાની કાર્યવાહીમાં કુલ ૪૦ જગ્યા પર આઇટીના દરોડા પાડ્યા હતા. જેમા આવકવેરા વિભાગને મોટી સફળતા મળી છે. આવકવેરા વિભાગને અમદાવાદ રત્નમણિમાં તપાસ દરમિયાન વધુ ૧૫ લોકર મળી આવ્યા છે. સમગ્ર તપાસમાં કરોડો રૂપિયાની કરચોરી બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદ,મુંબઇ, અને દિલ્હી સહિત શહેરોમાં તપાસ કરવામા આવી હતી. અમદાવાદમાં એકસાથે ૨૫ સ્થળે જેમાં રત્નમણિનાં ચેરમેન પ્રકાશ સંઘવી ઉપરાંત કંપનીનાં અન્ય ડાયરેકટરોને ત્યાં પણ દરોડાની કાર્યવાહી થઈ હતી. ગુજરાત બહાર ૧૫ જગ્યાએ સર્વે હાથ ધરાયો હતો. ઇન્કમટેક્ષનાં ૧૫૦થી વધુ અધિકારીઓ તપાસમાં જાડાયા હતા.
અમદાવાદ રત્નમણિમાં ઇન્કમટેક્સની રેડ દરમિયાન વધુ ૧૫ લોકર મળી આવ્યા છે. આવકવેરા વિભાગ દ્વારા ૧ કરોડ જેટલી રોકડ રકમ સીઝ કરવામાં આવી છે. જ્યારે ૫ કરોડ રૂપિયાની જવેલરી પણ મળી આવી છે. ઉપરાંત ૨૦૦ કરોડથી વધુ રકમના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યાં.