શહેર ફરી એકવાર દહેશતની છાયામાં આવી ગયું છે. શહેરના લીંબાયત વિસ્તારમાં એક કાપડ દલાલની ત્રણ શખ્સોએ ક્રૂર રીતે ચપ્પુથી હત્યા કરી નાખતા લોકોમાં ભય અને રોષનો માહોલ છવાઈ ગયો છે. મૃતક આલોક ઝંડારામ અગ્રવાલ (ઉં.વ. ૪૫) પર ૮૦ સેકન્ડની અંદર ૬૦થી વધુ ઘા ઝીંકી તેને હત્યાનો ભોગ બનાવવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસી ફૂટેજ વાયરલ થયા છે. આ મૃતક કાપડ દલાલ હોવાનું સામે આવ્યું છે. તીક્ષ્ણ હથિયારો વડે કરાયેલી હત્યાની ઘટનાએ શહેરના કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
ઘટના રવિવારે વહેલી સવારે લગભગ પોણા ત્રણ વાગ્યે લીંબાયતના ડુંભાલ વિસ્તારમાં બની હતી. કાપડ દલાલ આલોક અગ્રવાલ ઉભા હતા. ત્યારે અચાનક ત્રણ શખ્સો ત્યાં આવ્યા. એક શખ્સ જેણે લીલા ટી-શર્ટ પહેર્યું હતું તેણે પાછળથી હુમલો શરૂ કર્યો અને જમણા હાથની આંગળીઓ સહિત ૪૦થી વધુ ઘા ઝીંક્યા. બાદમાં અન્ય બે શખ્સોએ પણ ૨૦થી વધુ ઘા ઝીંકી આલોકને નિષ્ઠુરતાથી માર્યો.હત્યા બાદ જ્યારે શખ્સો જાહેરમાં ચપ્પુ હવામાં ઉછાળતા જતા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે દેખાય છે. જે જોઈને લાગી રહ્યુ છે કે, તેઓએ કોઈ ભય વિના સ્થળ છોડ્યું, જાણે કે તેમણે કોઈ વિજય પ્રાપ્ત કર્યો હોય. આ દ્રશ્યોને લઈ સ્થાનિકોમાં ભારે રોષ છે અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
આલોકને ગંભીર હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલ લવાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા. પોલીસે તાત્કાલિક ગુનો નોંધ્યો છે અને હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસ અધિકારી એસીપી વી.એમ. જાડેજાના જણાવ્યા અનુસાર, હત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી, પણ દેખાતા ફૂટેજ અને ટેકનિકલ પુરાવાઓના આધારે હત્યારાઓ ઝડપાશે એવું જણાવાયું છે. ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે ભય અને અસંતોષ છે. લોકોના મતે, ખુલ્લેઆમ આઘાતજનક હત્યા પોલીસ પેટ્રોલિંગની નિષ્ફળતાને સ્પષ્ટ કરે છે. વિસ્તારના વશીભૂત નાગરિકો સુરક્ષા વ્યવસ્થામાં સુધારાની માંગ કરી રહ્યા છે. હત્યાની ઘટનાઅને જાહેર દાદાગીરી જોઈને એ સ્પષ્ટ છે કે, આ માત્ર તત્કાલિક રોષ નથી પણ શક્યતઃ પૂર્વનિયોજિત કાવતરું હતું. આ હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે, પણ હાલ માટે શહેરમાં ભયનો માહોલ છે અને ન્યાયની રાહ જોવાઈ રહી છે.








































