સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે આડા સંબંધના વહેમમાં હત્યાની ઘટના બની હતી. જેમાં વિફરેલો પતિ જેને મારવા આવ્યો હતો, તેની જગ્યાએ ભૂલથી તેના ભાઈની હત્યા કરી નાખી છે.

ઘટનાની વિગતવાર વાત કરીએ તો, આ ઘટનામાં ફરિયાદી નંદકિશોર એક સમયે સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતો હતો. તે સમયે આ હત્યાના બનાવમાં આરોપી શરદ પણ તેની પત્ની સાથે લિંબાયતમાં રહેતો હતો. સમય જતાં નંદકિશોર તેના પરિવાર સાથે સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે ગોકુલધામ સોસાયટીમાં રહેવા લાગ્યો, ત્યારે તે આરોપી શરદની પત્ની સાથે અવારનવાર ફોન પર વાતચીત કરતો હતો. જેથી શરદને શંકા ગઈ કે, આ બંને વચ્ચે કંઈક ચાલે છે. આ શંકાને આધારે આખો કાંડ થઈ ગયો.

ઘટનાક્રમ મુજબ, પત્નીના આડા સંબંધોની શંકાના આધારે શરદે ૨૩મી આૅગસ્ટના રોજ તેની પત્ની સાથે ઝઘડો કર્યો હતો, જે દરમિયાન તેની પત્ની રાત્રે જ ઘર છોડી જતી રહી હતી. જેથી ગુસ્સામાં આવેલા શરદે ત્યારે જ પત્નીના કથિત પ્રેમી નંદકિશોરને ઠેકાણે લગાવવાનો પ્લાન બનાવીને તાતીથૈયા ગામે પહોંચી ગયો હતો.

આવેશમાં આવેલો શરદ, નંદકિશોરના ગામ તાતીથૈયા તો પહોંચ્યો, પરંતુ તેને નંદકિશોરનું ઘર જોયું ન હોવાથી તે ગામમાં અહીં-તહીં આંટાફેરા મારી રહ્યો હતો. તેવામાં નંદકિશોરની બહેન એક દુકાને દૂધ લેવા આવી હતી, જે પરત ઘરે જઈ રહી હતી ત્યારે તેનો પીછો કરીને શરદ, નંદકિશોરના ઘરે પહોંચ્યો હતો અને ઘરમાં ઘૂસતાની સાથે જ તેણે પલંગ પર સૂતેલા યાદવને નંદકિશોર સમજી ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા.

આમ શરદ પોતાની પત્નીના નંદકિશોર સાથે આડાસંબંધોની શંકાને આધારે નંદકિશોરનું ઢીમ ઢાળી દેવાના ઇરાદેથી તેના ઘરમાં ઘુસ્યો હતો, પરંતુ મુખ્ય ટાર્ગેટની જગ્યાએ તેના ભાઈ યાદવ બોરીકરની હત્યા કરી નાખી હતી. જે ઘટના બાદ શરદ દગડું ધનગર ફરાર થઈ જતાં નંદકિશોરે પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી શરદની ધરપકડ પણ કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.