સુરતના વેસુ વિસ્તારના પોશ ગણાતી જી. ડી. ગોએન્કા સ્કૂલ પાસે કે. એસ. અંતરવન રેસ્ટોરન્ટ નજીક ૧૬ ઓક્ટોબરની મોડીરાતે વીઆઇપીઁની દારૂ મહેફિલ’ શરૂ થાય એ પહેલાં જ અલથાણ પોલીસે દરોડો પાડતાં માહોલ ગરમાયો હતો. ત્યારે હવે ઉદ્યોગપતિ સમીર શાહ અને તેમના પરિવારની મુશ્કેલીઓ વધી છે. અલથાણ પોલીસ દ્વારા લેવામાં આવેલા બ્લડ સેમ્પલનો ગાંધીનગર એફએસએલ રિપોર્ટ સામે આવ્યો છે, જેણે આ સમગ્ર કેસમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ રિપોર્ટ દ્વારા સાબિત થયું છે કે, માત્ર સમીર શાહે જ નહીં, પરંતુ તેમના પુત્ર અને પરિવારની એક મહિલાએ પણ દારૂનું સેવન કર્યું હતું. પતિ-પુત્ર કરતાં પરિવારની મહિલાના બ્લડમાં વધુ આલ્કોહોલ મળ્યો છે.ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ વિભાગના કેમિકલ નિષ્ણાંતના રિપોર્ટ અનુસાર, સમીર શાહ, પરિવારની એક મહિલા અને પુત્ર જૈનમ શાહ ત્રણેયના બ્લડમાં ઇથાઇલ આલ્કોહોલની માત્રા મળી આવી છે. સૌથી ગંભીર બાબત એ છે કે રિપોર્ટ મુજબ, ત્રણેયમાં સૌથી વધારે આલ્કોહોલની માત્રા એક મહિલાના બ્લડમાં હતી.
રિપોર્ટમાં નોંધાયેલા આલ્કોહોલની માત્રા
પરિવારની મહિલાઃ ૦.૦૭૦૯ ગ્રામ પરસેન્ટ ઇથાઇલ આલ્કોહોલ.
જૈનમ શાહ (પુત્ર)ઃ ૦.૦૬૨૦ ગ્રામ પરસેન્ટ ઇથાઇલ આલ્કોહોલ.
સમીર શાહ (પતિ)ઃ ૦.૦૬૧૫ ગ્રામ પરસેન્ટ ઇથાઇલ આલ્કોહોલ.
આ રિપોર્ટે નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરના પ્રાથમિક અહેવાલને સંપૂર્ણપણે ખોટો સાબિત કર્યો છે, જેમાં જૈનમ શાહ અને એક મહિલાએ દારૂ પીધો ન હોવાનું અને માત્ર સમીર શાહે જ દારૂ પીધો હોવાનું જણાવાયું હતું.બાતમી મળતાં અલથાણ પોલીસની ટીમ હોટલ પર પહોંચી ત્યારે જૈનમ શાહ કારમાં દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેને બહાર નીકળવાનું કહેતાં માથા ફરેલા જૈનમ શાહે પોલીસ સાથે ઝપાઝપી કરી હુમલો કર્યો હતો. આ સમયે એક મહિલાએ પણ પોલીસ સાથે માથાકૂટ કરી હતી, જેનો વીડિયો પણ પોલીસ પાસે ઉપલબ્ધ છે.
સૌથી વધુ દારૂ પીધેલી હાલતમાં હોવા છતાં અને વીડિયોમાં માથાકૂટ સ્પષ્ટ દેખાતી હોવા છતાં, અલથાણ પોલીસે મહિલા સામે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે કરેલી ઝપાઝપી સંદર્ભનો કોઈ ગુનો દાખલ કર્યો નથી. આનાથી અલથાણ પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની સગવડિયા નીતિ અને કેસને દબાવવાના પ્રયાસો સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.પોલીસને સમીર શાહ અને એક મહિલાએ લિકર પરમિટ હોવાનું જણાવ્યું છે. જાકે, પીઆઈ દિવ્યરાજ ચૌહાણે કહ્યું કે, તેઓ હાલમાં પરમિટની ચકાસણી કરી રહ્યા છે અને સીસીટીવી ફૂટેજ એકત્ર કરીને પરિવાર ઘરેથી ક્્યારે નીકળ્યો અને હોટલ ક્યારે પહોંચ્યો તેની તપાસ કરી રહ્યા છે.









































