અમરેલી જિલ્લામાં નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે આદર્શ આચારસંહિતાનો અમલ થાય તે માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ માથાભારે ઇસમો વિરુધ્ધ પાસા અને તડીપારની કાર્યવાહી કરવા તેમજ વચગાળાના જામીન કે પેરોલ જમ્પ કરી ફરાર થયેલા કેદીઓને શોધી કાઢવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સૂચનાના આધારે રાજુલા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ બાબરીયાધાર ગામ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે મૂળ સાવરકુંડલાના અને હાલ સુરત રહેતા અલ્પેશ ભૂપતભાઈ ઓગાણીયા સોલંકી, જે સુરતના અમરોલી પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ હતો, તે ફરાર થયો છે. ગુજરાત હાઇકોર્ટના હુકમથી ૧૦ દિવસના વચગાળાના જામીન મેળવી જેલમાંથી મુક્ત થયો હતો પરંતુ રજા પૂરી થવા છતાં તા. ૨૮/૦૩/૨૦૨૬થી જેલમાં હાજર ન થઈ ફરાર થઈ ગયો હતો. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તેને બાબરીયાધાર ગામની સીમમાંથી ઝડપી લીધો હતો અને સુરત લાજપોર મધ્યસ્થ જેલને સોંપવાની તજવીજ હાથ ધરી છે.