સુરતના હીરા વેપારીઓના ફરી એકવાર બેંક એકાઉન્ટ ફીઝ કરાતા ખળભળાટ મચી ગયો છે. સાઈબર ફોડના નામે હૈદરાબાદ અને બેંગ્લોર પોલીસની સૂચનાથી બેંકોએ વેપારીઓના એકાઉન્ટ ફીઝ કરતા આશરે રૂ. ૧૦૦ કરોડ ફસાયા હોવાની માહિતી જાણવા મળી રહી છે. જેને લીધે વેપારીઓના આર્થિક વ્યવહારો પર અસર થતા ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજા રાજ્યની પોલીસ દ્વારા સમયાંતરે કરાઈ રહેલી આ પ્રકારની કાર્યવાહીથી આક્રોધિત હીરા વેપારી આગામી દિવસોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરનાર છે.
છેલ્લા બે-ત્રણ દિવસ દરમિયાન એક પછી એક સુરતના ૩૨ વેપારીઓના બેંક એકાઉન્ડ ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ આંકડો હજી વધવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જેને લીધે બીજા હીરા વેપારીઓની પણ ઊંઘ ઉડી ગઈ છે, કારણ કે આ રીતે એકલ-દોકલ વેપારીઓ તો સમયાંતરે નિશાન બનતા હોય છે.
બીજી બાજુ એકાઉન્ટ ફીઝ થયાના બે-ત્રણ દિવસે ખાતેદારો અર્થાત વેપારીઓને ખબર પડે છે. જેને લીધે વેપારીઓના આર્થિક વ્યવહારો પર સીધી અસર થાય છે. મંદીને લીધે પહેલેથી પરેશાન હીરા વેપારીઓ સામે કરાતી આ કાર્યવાહી માથાનો દુખાવો બની રહી છે. સમયાંતરે આ રીતે હીરાના વેપારીઓના બેંક એકાઉન્ટ ફીઝ કરી દેવાના બનાવો બનતા હોય છે. ચાલુ નાણાકીય વર્ષને હવે ગણતરીની આ દિવસો બાકી છે ત્યારે વેપારીઓમાં ગભરાટ નો માહોલ જાવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગત સપ્ટેમ્બર મહિનામાં પણ સુરતના ડાયમંડ અને જવેલરીના ૫૦ જેટલા વેપારીના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવાયા હતા. તે સમયે કેરલા, પશ્ચિમ બંગાળ અને મુંબઈ પોલીસની સૂચનાથી કાર્યવાહી કરવામાં આવી હતી. વેપારીઓના એકાઉન્ટમાં શંકાસ્પદ ટ્રાન્જેક્શન થયું હોવાનું બતાવી બેંકોને એકાઉન્ટ ફ્રીઝ કરવા સૂચના અપાઈ હતી. જેમાં વેપારીઓના અંદાજે ૫૦૦ કરોડ બેંકોમાં ફસાઈ ગયા હતા. આ ઘટના પહેલાં પણ સુરતના ૬૦થી ૭૦ વેપારીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.