સુરત મહાનગરપાલિકાની સૌથી મોટી કચરા નિકાલ સાઈટ ખજાદમાં લાગેલી આગ સતત ત્રીજા દિવસે પણ યથાવત્ છે. આગની તીવ્રતા એટલી વધારે છે કે કાળા ધુમાડાના ગોટેગોટા ૮ કિલોમીટર દૂર સુધી સ્પષ્ટપણે જાવા મળી રહ્યા છે. આ ઘટનાએ શહેરના દક્ષિણ વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર વધારી દીધું છે અને નાગરિકોમાં આરોગ્ય સંબંધિત ચિંતા વધારી છે.માત્ર ૫૨ દિવસ પહેલા જ આ જ સાઈટ પર આગ લાગી હતી, જેને કારણે હવે આગ લાગવાની ઘટના શંકાસ્પદ બની ગઈ છે. ઘણા લોકો આગને કુદરતી કરતાં માનવસર્જિત માની રહ્યા છે અને કચરા કૌભાંડને છુપાવવા માટે આગ લગાડવામાં આવી હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
આગ મંગળવારે બપોરે અચાનક ફાટી નીકળી હતી અને તે ઝડપથી વિસ્તાર પામીને લગભગ ૨ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી.જારદાર પવનને કારણે આગ વધુ વિકરાળ બની. સુરત ફાયર વિભાગના ૫૦થી વધુ જવાનો મંગળવારે બપોરથી સતત ડ્યૂટી પર છે. અત્યાર સુધીમાં ૨૫ લાખ લિટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમ છતાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવવો મુશ્કેલ બન્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આગ સ્ટોકમાં લાગી હતી, જે કચરામાંથી તૈયાર કરાયેલું ઈંધણ છે.પાલિકાના અધિકારીઓએ કહ્યું કે, “હાલની પ્રાથમિકતા આગને સંપૂર્ણપણે ઓલવવાની છે. ત્યારબાદ વિશેષજ્ઞોની મદદથી આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવશે.
સુરત મહાનગરપાલિકાએ કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે સીડી ટ્રાન્સપોર્ટ એજન્સીને ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જાકે, અત્યાર સુધીમાં એજન્સીએ માત્ર ૧૪ લાખ ટન કચરાનો જ નિકાલ કર્યો છે, જ્યારે ૩૦ લાખ ટનનો ટાર્ગેટ હતો. આમ, ૧૬ લાખ ટન કચરાનો નિકાલ હજુ બાકી છે.આ સાઈટ પહેલેથી જ ક્ષમતા કરતાં વધુ ભરાઈ ગઈ છે. ત્રણ મહિના પહેલા મહુવા તાલુકાના કાંકરિયા ગામે કચરો ડમ્પ કરવાના પ્રયાસ વિરુદ્ધ સ્થાનિકોમાં વિવાદ સર્જાયો હતો.
આ બીજી વખતની આગને કારણે કચરા કૌભાંડના આક્ષેપો ફરી તેજ થયા છે. કેટલાક લોકોનું માનવું છે કે વધારાના કચરાના વજન (ડેડ વેઈટ) અને નિકાલમાં થતી ગેરરીતિઓ છુપાવવા માટે આગ લગાડવામાં આવી હોય શકે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકએ આગ લાગવાના કારણોની તપાસ માટે પોલીસ ફરિયાદ નોંધાવવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડએ પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમોના ઉલ્લંઘનનો રિપોર્ટ મોકલ્યો છે. અગાઉ પણ જીપીસીબીએ પાલિકાને પત્ર લખીને પુરતી વ્યવસ્થા કરવા તાકીદ કરી હતી, પરંતુ તેનું પાલન ન થયું હોવાના આક્ષેપ છે.









































