સુરતના અમરોલી વિસ્તારમાં ત્રણ વર્ષના એક બાળકનું અપહરણ થયા બાદ તેની લાશ મુંબઈથી પસાર થતી એક ટ્રેનમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલામાં બાળકનું અપહરણ અને હત્યા તેના જ માસીના દીકરાએ કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
અમરોલીના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારનો ત્રણ વર્ષનો બાળક ગત બુધવારે સાંજે ગુમ થયો હતો. બાળક ગુમ થતાં જ પરિવાર ચિંતિત બન્યો હતો. શરૂઆતમાં તેમણે વિચાર્યું કે બાળક કદાચ ફરવા ગયો હશે, પરંતુ લાંબા સમય સુધી પરત ન ફરતાં તેમણે શોધખોળ શરૂ કરી. આ દરમિયાન પરિવારને જાણ થઈ કે બાળકને તેના માસીનો દીકરો વિકાસકુમાર શાહ લઈ ગયો છે. ત્યારબાદ તાત્કાલિક અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી.
પોલીસે ફરિયાદ મળતાની સાથે જ તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ ચકાસતા માલુમ પડ્યું કે આરોપી વિકાસકુમાર બાળકને બાઇક પર લિફ્ટ લઈને રેલવે સ્ટેશન તરફ લઈ ગયો હતો. પોલીસે તેના મોબાઇલ લોકેશનના આધારે તપાસ કરતાં તેનો પત્તો નાસિક અને પછી મુંબઈ સુધી મળ્યો હતો.
ગઈકાલે રાત્રે મુંબઈના એલટીટી ટર્મિનસ ખાતે ઊભેલી કુશીનગર એક્સપ્રેસ ટ્રેનના એસી કોચના ટોયલેટના ડસ્ટબિનમાંથી એક માસૂમની લાશ મળી આવી. ટ્રેનના મુસાફરો દ્વારા આ અંગે જાણ થતાં જ જીઆરપી (સરકારી રેલવે પોલીસ) અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહ જોતા મેડિકલ ટીમ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે બાળકની હત્યા અત્યંત ક્રૂરતાપૂર્વક કરવામાં આવી હતી.
પોલીસને શંકા છે કે આરોપી વિકાસકુમારે ટ્રેનમાં જ બાળકનું ગળું દબાવીને તેની હત્યા કરી અને લાશને ડસ્ટબિનમાં છુપાવીને તે ટ્રેનમાંથી ઊતરીને ફરાર થઈ ગયો. પોલીસે લાશની ઓળખ માટે સુરતથી પરિવારને મુંબઈ બોલાવ્યો હતો. પરિવારે મુંબઈના થાણે ખાતે જઈને મૃતદેહની ઓળખ કરતાં તે ગુમ થયેલા બાળકનો જ હોવાનું સ્પષ્ટ થયું હતું. હાલ સુરત અને મુંબઈ પોલીસ સંયુક્ત રીતે આ મામલાની તપાસ કરી રહી છે. તેઓ ટ્રેનના મુસાફરોની વિગતો અને સીસીટીવી ફૂટેજ ચકાસી રહ્યા છે. પોલીસ આરોપી વિકાસકુમારને પકડવા માટે તીવ્ર શોધખોળ ચલાવી રહી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ગુસ્સાની લાગણી ફેલાઈ છે.