શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોના આતંકે શહેરની કાયદો-વ્યવસ્થા પર સવાલ ઊભા કર્યા છે. નજીવી બાબતને લઈ થયેલો ઝઘડો ખૂની સ્વરૂપ ધારણ કરતા પિતા અને પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. જેમાં પુત્રનું સારવાર મળે તે પહેલાં જ મોત નિપજ્યું છે, જ્યારે પિતા ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના અમરોલી વિસ્તારમાં કોસાડ આવાસ વિસ્તારના એચ-૧ બ્લોક પાસે આ ઘટના બની હતી. પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડાને શાંત પાડવા માટે આ યુવક વચ્ચે પડ્યો હતો. પરંતુ મામલો વધુ ઉગ્ર બનતા અસામાજિક તત્વોએ યુવક અને તેના પિતા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં જ અમરોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ તથા ચશ્મદીદોના નિવેદન આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આ હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરો તેને બચાવી શક્યા નહીં. જ્યારે હુમલામાં ઘાયલ થયેલા પિતાને એસએમઆઇએમઇઆર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળે છે.
સ્થાનિક રહેવાસીઓએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે કોસાડ આવાસ વિસ્તારમાં ખુલ્લેઆમ નશાનો કારોબાર ચાલે છે, જેના કારણે વારંવાર ઝઘડા અને ગુનાહિત ઘટનાઓ સર્જાઈ રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અમરોલી પોલીસ દ્વારા સમયસર કાર્યવાહી ન થતાં અસામાજિક તત્વોના હૌસલા બુલંદ બન્યા છે. રહેવાસીઓએ વધુમાં કહ્યું કે, બહારથી આવતા લોકો ગુનાહિત ઘટનાઓને અંજામ આપી ફરાર થઈ જાય છે, અને સામાન્ય નાગરિકો પોતાને અસુરક્ષિત અનુભવ કરી રહ્યા છે.
ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. મૃતકના પરિવારજન નજમા ખાનએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે,“મારો દીકરો ઝઘડો શાંત કરવા ગયો હતો, પરંતુ તેને જ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. પોલીસ જા સમયસર પગલાં લેતી હોત તો આજે આ દિવસ જાવો ન પડત.” હાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. આ ઘટના બાદ ફરી એકવાર સુરતમાં વધતા ગુનાખોરી અને પોલીસની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઊભા થયા છે.










































