સુમુલ ડેરીમાં ગઇકાલે ચાર ડિરેક્ટરોને ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ માટે બોલાવ્યા બાદ હવે તપાસના ચક્રો ગતિમાન થયા છે. ભૂતપૂર્વ ચેરમેન રાજુ પાઠક સામે ગેરરીતિના આક્ષેપો થયા છે. સહકારી રજિસ્ટ્રાર દ્વારા કલમ-૮૬ હેઠળ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. આ તપાસનું કાર્યક્ષેત્ર ભૂતપૂર્વ ચેરમેન રાજુ પાઠક, માનસિંહ પટેલ સહિતના અન્ય સભ્યોએ ૨૦૧૫થી ૨૦૨૦ દરમિયાન લીધેલા નિર્ણયો હશે. આ બધાએ તે સમયે હોદ્દાની રૂએ ડેરીના ડિરેક્ટર તરીકે લીધેલા અનેક નિર્ણયો શંકાના ઘેરામાં આવ્યા છે.
સુરત અને તાપીનું કાર્યક્ષેત્ર ધરાવતી સુમુલ ડેરી છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રકારની નાણાકીય ગેરરીતિના આક્ષેપોને લઈને વિવાદમાં છે. તેમા અગાઉ માનસિંહ પટેલ અને રાજુ પાઠક જૂથ સામસામે હતા. તેમા ડેરીના મેનેજિંગ ડિરેક્ટરને એજીએમમાં લાફો સુદ્ધા ઝીંકી દેવાયો હતો. હવે તેના કૌભાંડોની રજૂઆત સહકારી રજિસ્ટ્રાર સુધી પહોંચી છે.
નવસારીના રજિસ્ટ્રાર દ્વારા સુમુલ ડેરીની વહીવટી પ્રક્રિયાની તપાસ કરવામાં આવનાર છે. આ વ્યવહારોમાં નાણાકીય વ્યવહારો, વહીવટી નિર્ણયો, ટેન્ડર પ્રક્રિયાઓ બધાનો સમાવેશ થાય છે. નવસારી રજિસ્ટ્રાર આ બધાની તપાસ કરીને તેનો રિપોર્ટ સુપ્રદ કરશે તેમ જણાવાયું છે. સહકારી રજિસ્ટ્રારના આ નિર્ણયને ભૂતપૂર્વ ચેરમેન રાજુ પાઠક માટે મોટો આંચકો ગણાય છે તો તેમના વિરોધીઓ આને સત્યનો વિજય માને છે.
સહકારી રજિસ્ટ્રારે લીધેલો નિર્ણય કેટલાય આગેવાનોની ઉચ્ચ સ્તરે રજૂઆત પછી લીધો હોવાનું માને છે. તંત્ર માને છે કે પશુપાલકોના હિતો સાથે કોઈપણ રીતે સમાધાન ન થવું જાઈએ. તપાસના પરિણામ ચોક્કસપણે ડેરીના રાજકારણ પર અસર પડશે. ખેડૂતો અને પશુપાલકો ચાતક નજરે તપાસના પરિણામોની રાહ જાશે. આ પરિણામો જ સુમુલ ડેરીના આગામી રાજકારણની દિશા નક્કી કરશે.