સુદાનના પ્રખ્યાત અર્ધલશ્કરી જૂથ, રેપિડ સપોર્ટ ફોર્સિસએ મધ્ય સુદાનમાં એક મોટો હુમલો કર્યો. આ હુમલામાં શનિવારે મધ્ય સુદાનમાં વિસ્થાપિત પરિવારોને લઈ જતા વાહનને નિશાન બનાવવામાં આવ્યું હતું. ડોક્ટરોના જૂથે જણાવ્યું હતું કે આ હુમલામાં આઠ બાળકો સહિત ઓછામાં ઓછા ૨૪ લોકો માર્યા ગયા હતા.

આ હુમલો ઉત્તર કોર્ડોફાન પ્રાંતના રાહદ શહેર નજીક થયો હતો. દેશમાં ચાલી રહેલા યુદ્ધ પર નજર રાખતા સુદાન ડોક્ટર્સ નેટવર્કે હુમલા અને મૃત્યુની પુષ્ટિ કરી હતી. ડોક્ટર્સના જૂથના એક નિવેદન મુજબ, વાહન ઉત્તર કોર્ડોફાનના દુબેકર વિસ્તારમાં લડાઈથી ભાગી રહેલા વિસ્થાપિત લોકોને લઈ જઈ રહ્યું હતું. માર્યા ગયેલા લોકોમાં બે શિશુઓ પણ હતા. ડોક્ટર્સના જૂથે આંતરરાષ્ટ્રીય સમુદાય અને માનવાધિકાર સંગઠનોને અપીલ કરી હતી કે “નાગરિકોના રક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને આ ઉલ્લંઘનો માટે  નેતૃત્વને સીધી રીતે જવાબદાર ઠેરવવામાં આવે.” લગભગ ત્રણ વર્ષથી સુદાનની સેના સામે દેશના નિયંત્રણ માટે લડી રહેલા ઇજીહ્લ તરફથી કોઈ તાત્કાલિક ટિપ્પણી કરવામાં આવી નથી.

સુદાન એપ્રિલ ૨૦૨૩ માં અરાજકતામાં ડૂબી ગયું જ્યારે રાજધાની ખાર્તુમ અને દેશના અન્ય ભાગોમાં સેના અને આરએસએફ વચ્ચે સત્તા સંઘર્ષ ખુલ્લા યુદ્ધમાં ફેરવાઈ ગયો. યુએનના આંકડા મુજબ, આ વિનાશક યુદ્ધમાં ૪૦,૦૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે, પરંતુ સહાય જૂથો કહે છે કે આ સંખ્યા ઓછી આંકવામાં આવી છે અને વાસ્તવિક મૃત્યુઆંક અનેક ગણો વધારે હોઈ શકે છે. યુદ્ધે વિશ્વનું સૌથી મોટું માનવતાવાદી સંકટ ઊભું કર્યું છે, જેમાં ૧૪ મિલિયનથી વધુ લોકો તેમના ઘરોમાંથી વિસ્થાપિત થયા છે. તેનાથી રોગચાળાને વેગ મળ્યો છે અને દેશના કેટલાક ભાગોમાં દુષ્કાળ પડ્યો છે.