રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કરોડોની લૂંટનો મામલો પ્રકાશમાં આવ્યો છે. વિવેક વિહારમાં એક મહિલા સહિત લૂંટારુઓની ટોળકીએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન અધિકારીઓ તરીકે ઓળખાવીને એક ઉદ્યોગપતિની ઓફિસમાંથી લગભગ ૨.૩ કરોડ રૂપિયા લૂંટી લીધા. કેસ વિશે વધુ માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે ફરિયાદી મનપ્રીત ગાઝિયાબાદના ઇન્દીરાપુરમનો રહેવાસી છે. તે ફાઇનાન્સ, પ્રોપર્ટી ડીલિંગ અને ઘરોના બાંધકામમાં સામેલ છે.

પોલીસે જણાવ્યું કે મનપ્રીતે કહ્યું કે વિવેક વિહાર સ્થિત બિલ્ડીંગમાં લગભગ ૨.૫ કરોડ રૂપિયાની ધંધાકીય કમાણી રાખવામાં આવી હતી. ૧૯ ઓગસ્ટના રોજ, તેણે તેના મિત્ર રવિ શંકરને ત્યાંથી ૧.૧૦ કરોડ રૂપિયા તેના નિવાસસ્થાને લાવવા કહ્યું.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (શાહદરા) પ્રશાંત ગૌતમે જણાવ્યું હતું કે, “શંકર રોકડ ભરેલી બેગ લઈને બહાર આવતાની સાથે જ બે કારમાં બેઠેલા એક મહિલા સહિત ચાર લોકોએ તેને રોક્યો અને સીબીઆઇ અધિકારી હોવાનો દાવો કર્યો. તેઓએ તેને માર માર્યો અને બેગ છીનવી લીધી.”

અધિકારીએ જણાવ્યું કે આરોપીઓએ શંકરને મિલકતની અંદર લઈ જવા દબાણ કર્યું, જ્યાં તેઓએ મનપ્રીતના કર્મચારી દીપક મહેશ્વરીને માર માર્યો અને ત્યાં રાખેલા બાકીના રોકડ લૂંટી લીધા.

પોલીસે બે શંકાસ્પદોની ધરપકડ કરી. તેમની ઓળખ  એનજીઓના સેક્રેટરી અને આસામના વતની પાપોરી બરુઆ (૩૧) અને તુગલકાબાદના રહેવાસી દીપક (૩૨) તરીકે થઈ છે. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.