રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ૩ મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેમના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચ ૨ રને જીતીને પોઈન્ટ ટેબલમાં ફરી એકવાર પ્રથમ સ્થાન મેળવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા, આરસીબીએ ૨૦ ઓવરમાં ૨૧૩ રન બનાવ્યા જ્યારે સીએસકે ફક્ત ૨૧૧ રન જ બનાવી શક્યું. આ જીત સાથે,આરસીબીએ પ્લેઓફ માટે પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે, પરંતુ હવે લીગ સ્ટેજ મેચો પૂરી થયા પછી તેમની નજર ટોપ-૨ માં સ્થાન મેળવવા પર છે. આરસીબીની જીતથી મુંબઈ ઈન્ડીયન્સની ટીમને નુકસાન થયું છે, જે પહેલા નંબર-૧ પર હતી પરંતુ હવે તે બીજા સ્થાને પહોંચી ગઈ છે.
જા આપણે ૫૨ મેચો પછી આઇપીએલ ૨૦૨૫ ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ, તો આરસીબી ૧૧ મેચોમાં ૮ જીત પછી ૧૬ પોઈન્ટ સાથે નંબર વન પર છે, જ્યારે મુંબઈ ઇન્ડીયન્સ ૧૧ મેચોમાં ૭ જીત સાથે બીજા નંબર પર છે. આ ઉપરાંત ગુજરાત ટાઇટન્સના પણ ૧૪ પોઇન્ટ છે પરંતુ તેઓ અત્યાર સુધી માત્ર ૧૦ મેચ રમ્યા છે. પંજાબ કિંગ્સ ૧૦ મેચમાં ૧૩ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. આવી સ્થિતિમાં, બધાની નજર તેના પર છે કે કઈ ટીમ ટોપ-૨ માં સ્થાન મેળવવામાં સફળ થશે, જેમાં આરસીબી ચોક્કસપણે થોડી આગળ હોય તેવું લાગે છે. દિલ્હી કેપિટલ્સ પણ પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માટે મજબૂત દાવેદાર છે, જે ૧૦ મેચમાંથી ૧૨ પોઈન્ટ સાથે ટેબલમાં પાંચમા સ્થાને છે.
લખનૌ સુપર જાયન્ટ્‌સ પોઈન્ટ ટેબલ પર છઠ્ઠા સ્થાને છે અને તેમના માટે પ્લેઓફમાં પહોંચવું થોડું મુશ્કેલ લાગે છે. લખનૌની ટીમે અત્યાર સુધીમાં ૧૦ મેચ રમી છે, જેમાંથી તે ૫ જીતવામાં સફળ રહી છે અને ૫ મેચ હારી છે. આ પછી,કેકેઆરની ટીમ ૧૦ માંથી ફક્ત ૪ મેચ જીતી શકી છે, જેના કારણે તેમના માટે પ્લેઓફમાં પહોંચવું ખૂબ મુશ્કેલ લાગે છે. રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા છે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ, ૧૦ મેચમાંથી ૩ મેચ જીતવા છતાં, કેટલાક સમીકરણોને કારણે પ્લેઓફની રેસમાં હજુ પણ છે.