અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાહનચાલકો માટે ફરી એક વખત મોંઘવારીનો ઝટકો આવ્યો છે. અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ૧.૫૦નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે અમદાવાદમાં હવે સીએનજીનો નવો દર ૮૩.૭૭ પ્રતિ કિલો થયો છે.
આ વધારો એ સમયે આવ્યો છે જ્યારે થોડા સમય પહેલા જ કંપનીએ ૧.૨૧નો ઘટાડો જાહેર કર્યો હતો. જાકે, ત્યારબાદ સતત ત્રણ વખત ભાવ વધારાથી કુલ મળીને સીએનજી ફરી મોંઘું બન્યું છે. ૨૦૨૬ની શરૂઆતમાં ભાવ ઘટાડા પછી, થોડા જ મહિનામાં ફરી વધારો શરૂ થયો છે. ફેબ્રુઆરીમાં ૦.૫૦નો વધારો કરવામાં આવ્યો હતો અને હવે એપ્રિલમાં ૧.૫૦નો મોટો વધારો નોંધાયો છે. સતત વધારાના કારણે ગ્રાહકો પર વધારાનો ભાર પડી રહ્યો છે. ૨૦૨૫ દરમિયાન પણ અદાણી સીએનજીના ભાવમાં ચાર વખત વધારો નોંધાયો હતો, જેમાં કુલ વધારો ૩.૪૦ જેટલો થયો હતો. હવે ૨૦૨૬માં પણ એ જ ટ્રેન્ડ ચાલુ રહેતા લોકોમાં ચિંતા વધતી જાવા મળી રહી છે.
આ વધારાનો સૌથી વધુ પ્રભાવ ઓટો-રિક્ષા ચાલકો અને ડેઇલી મુસાફરી કરનારાઓ પર પડી શકે છે. ઈંધણના વધતા ખર્ચને કારણે ભાડાંમાં વધારો થવાની શક્યતા છે, જેનો સીધો અસર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડશે. ગેસના ભાવમાં વધારો થવાનું એક કારણ વૈશ્વિક પરિસ્થિતિ પણ માનવામાં આવી રહ્યું છે. ઇરાન નજીક આવેલી સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝમાં અવરોધના કારણે ગેસ સપ્લાય પર અસર પડી રહી છે. આ ઉપરાંત, લોકો ધીમે ધીમે પીએનજી તરફ વળી રહ્યા હોવાથી પણ માંગમાં ફેરફાર જાવા મળી રહ્યો છે.










































