સિવિલ હોસ્પિટલ ખાતે સર્જરી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે. ગઠિયાઓએ ડોક્ટરને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરી વધુ વળતર અપાવવાની લાલચ આપીને ટુકડે ટુકડે રૂપિયા ૭૦ લાખ ૬૫ હજારનું રોકાણ કરાવ્યું હતું. બાદમાં ૧ લાખ ૧૨ હજાર રૂપિયા પરત કરીને બાકીની રકમ ૬૯.૫૩ લાખ પરત ન કરીને છેતરપિંડી કરતાં સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદીએ ગત વર્ષે ટેલિગ્રામ એપ્લકેશન મારફતે ફોરેક્સ ટ્રેડિંગ નામની ચેનલ મારફતે સંજના નામની અજાણી વ્યકિત એ ટેલિગ્રામ મારફતે ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવવા માટે એક વેબસાઇટની લિંક મોકલી હતી. જેમાં ફરિયાદીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. બાદમાં અલગ અલગ સમયે ફરિયાદી પાસે લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. જેના બદલામાં તેઓને નફો પણ વેબસાઇટમાં બતાવતા હતા.
ફરિયાદીએ ૨૭મી જૂન ૨૦૨૫થી ૧૬મી જુલાઈ ૨૦૨૫ સુધીમાં રૂપિયા ૧૭ લાખ ૬૫ હજારનું રોકાણ કર્યું હતું, ૧૭મી જુલાઈ ૨૦૨૫થી ૧લી ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં ૭૦ લાખ ૬૫ હજારનું રોકાણ કર્યું હતું. જે રોકાણના બદલામાં તેઓને પ્રથમ ૨૭,૨૮૫ રૂપિયા નફો જ્યારે બીજા લાખ ૮૫ હજાર નફો આપ્યો હતો. બાદમાં આ સિવાય અન્ય કોઈ નફાની રકમ આપી ન હતી. જ્યારે રોકાણની રકમ પણ પરત કરી ન હતી. આ મામલે ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.










































