સાવરકુંડલા માર્કેટયાર્ડમાં સિઝનના નવા જીરુની આવકના શ્રીગણેશ થયા છે. માલકનેસ ગામના ખેડૂત બચુભાઈ બાબુભાઈ ડાભી દ્વારા મે. વૃજલાલ પોપટલાલના કમિશનમાં નવું જીરું વેચવા માટે લાવવામાં આવ્યું હતું. યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણીના હસ્તે વિધિસર પૂજન કરી અને શ્રીફળ વધેરીને હરરાજીની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ તકે તેમણે ખેડૂતો તથા વેપારીઓનું મોં મીઠું કરાવ્યું હતું. હરરાજીમાં વેપારીઓ, યાર્ડના સ્ટાફ અને ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં મુહૂર્તનું જીરું ખરીદવા માટે બોલીઓ બોલવામાં આવી હતી. જેમાં વેપારી પેઢી ‘તકદીર ટ્રેડર્સ’ દ્વારા રૂ. ૫૧૮૬/- ની સૌથી ઊંચી બોલી લગાવીને જીરુંની ખરીદી કરવામાં આવી હતી. મુહૂર્તના સારા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.