સાવરકુંડલા શહેરમાં સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. ચોમાસાની ઋતુ પૂર્વે, ટ્રસ્ટે ૬ ટનથી વધુ તાલપત્રીનું વિનામૂલ્યે વિતરણ કર્યું છે. વરસાદી મોસમમાં ઝૂંપડા અને કાચા મકાનોમાં રહેતા લોકોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને આ વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, માનવ મંદિરના મહંત ભક્તિરામબાપુ, ખોડીયાર આશ્રમના મહંત હીરાગીરીબાપુ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સામાજિક કાર્ય બદલ ટ્રસ્ટની સેવાભાવનાને બિરદાવવામાં આવી હતી.