સાવરકુંડલામાં એક મહિલાનો પતિ કોરોનામાં ગુજરી ગયો હતો. જે બાદ તેના દિયરે દિયરવટુ કરવાનું કહ્યું હતું. દીયર કામ-ધંધો કરતો ન હોવાથી તેણે ના પાડતાં જાનથી મારવાની ધમકી આપી હતી. શહેનાઝબેન મુસ્તુફાભાઇ જાદવ (ઉ.વ.૪૦)એ દિયર જાહીદભાઇ ઉર્ફે બાલો ઉમરભાઇ જાદવ સામે ફરિયાદ નોંધાવી હતી.
મળતી વિગત મુજબ, ફરિયાદી મહિલાના પતિનું આજથી પાંચ વર્ષ પહેલાં કોરોના દરમિયાન અવસાન થયું હતું. પતિના મૃત્યુ બાદ બંને પરિવારો વચ્ચે એવી વાતચીત થઈ હતી કે મહિલાનું તેના દિયર જાહીદ ઉર્ફે બાલા સાથે દિયરવટું નિકાહ કરવામાં આવે, પરંતુ દિયર કામધંધો ન કરતો હોવાથી નિકાહની ના પાડી હતી.
ફરિયાદી મહિલાને સંતાનમાં ત્રણ બાળકો છે, જેમના ભરણપોષણની જવાબદારી મહિલા પર છે. દિયર જાહીદ ઉર્ફે બાલો કોઈ કામ-ધંધો કરતો ન હોવાથી, મહિલાને લાગ્યું કે તે બાળકોનું ભરણપોષણ કરી શકશે નહીં. આ આર્થિક કારણોસર મહિલાએ તેની સાથે નિકાહ પઢવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. નિકાહ માટેના ઈનકારથી ઉશ્કેરાઈ ગયેલા જાહીદ ઉર્ફે બાલાએ મહિલા સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. તેણે ગંદી ગાળો આપી હતી અને જો તે નિકાહ નહીં કરે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવથી ફફડી ગયેલી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.