સાવરકુંડલામાં રહેતા એક શખ્સે પત્નીની હયાતીમાં જ તેને જાણ કર્યા વગર બીજા લગ્ન કરી લીધા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પ્રથમ પત્નીએ પિયર ગયા બાદ પતિએ અન્ય યુવતી સાથે લગ્ન કરી સંસાર શરૂ કરી દીધો હોવાનું સામે આવતા પીડિતાએ ન્યાય માટે પોલીસ અને કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાલ બગસરાના લુંઘીયા ગામે રહેતા ઇલાબેન ભુપતભાઇ ખુમાણ (ઉ.વ.૫૪)એ ભુપતભાઇ બાબુભાઇ ખુમાણ સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, આ કેસના ફરિયાદી મહિલાના લગ્ન તા. ૧૧/૦૨/૧૯૯૬ના રોજ સાવરકુંડલાના ભુપતભાઇ બાબુભાઇ ખુમાણ સાથે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ થયા હતા. લગ્ન બાદ શરૂઆતના બે મહિના ઘર સંસાર સારી રીતે ચાલ્યો હતો, પરંતુ ત્યારબાદ પતિ દ્વારા અવારનવાર ગાળાગાળી અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. પતિનો આ ત્રાસ સહન ન થતા મહિલા પોતાના પિયર લુંધીયા (ખાતે રહેવા આવી ગઈ હતી.ફરિયાદી મહિલા પિયર હતી તે દરમિયાન, વર્ષ ૨૦૦૫માં તેના પતિ ભુપતભાઇએ પત્નીની હયાતીમાં જ સાવરકુંડલાના ધીરૂભાઇ વરૂની દીકરી ઉર્મીલાબેન સાથે બીજા લગ્ન કરી લીધા હતા. આ બીજા લગ્નજીવનથી તેમને બે સંતાનો પણ થયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.