સા.કુંડલા પાલિકાની ચૂંટણીમાં ભાજપના પાયાના કાર્યકરોની અવગણના થવાના મામલે ઘણા સમયથી આંતરિક ધુંધવાટ હતો. તેની વચ્ચે ગઈ રાત્રે શહેર ભાજપ પ્રમુખ અનિરૂદ્ધસિંહ રાઠોડ પર ભાજપના જ બે કાર્યકરોએ હુમલો કર્યો હતો. નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ કપાઈ જતાં કાર્યકરોમાં ભારે રોષ હતો, જે ગઈકાલે મારામારીના સ્વરૂપે સપાટી પર આવ્યો હતો. આ ઘટનાથી ભાજપ છાવણીમાં ભારે ચકચાર મચી ગઈ હતી. વાત વધતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને ભાજપના કાર્યકરો મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં નજરે પડ્‌યા હતા. એક તબક્કે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ હતી, જો કે બાદમાં મામલો થાળે પડ્‌યો હતો.