ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટી વડાળ ગામની પરિણીતા પર તેના પતિએ સાવરકુંડલામાં હુમલો કરી, શરીરે ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી હતી. મહિલા સપોર્ટ સેન્ટરમાં કરેલી અરજીનું મનદુઃખ રાખી પતિએ પત્નીને ઢીંકાપાટુનો માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે મુળ ભાવનગરના મહુવાના મોટી વડાળના અને હાલ સાવરકુંડલામાં રહેતા અસ્મીતાબેન મયુરભાઇ હરીયાણી (ઉ.વ.૨૫)એ પતિ મયુરભાઇ વિષ્ણુભાઇ હરીયાણી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, મહિલા મૂળ મહુવા તાલુકાના મોટી વડાળ ગામના વતની છે. તેઓને વાંસાના ભાગે રસોળીનું ઓપરેશન કરાવવાનું હોવાથી, છેલ્લા બે દિવસથી સાવરકુંડલા ખાતે રહેતા પોતાના ફઈના દીકરાના ઘરે આવ્યા હતા. દરમિયાન, પત્નીને જાણ થઈ હતી કે તેના પતિને અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ છે, જેના પગલે તેણીએ સાવરકુંડલા મહિલા સપોર્ટ સેન્ટરમાં અરજી કરી હતી. મહિલાની અરજીના આધારે સપોર્ટ સેન્ટર દ્વારા પતિને હાજર થવા માટે ફોન કરવામાં આવ્યો હતો. આ વાતનું મનદુઃખ રાખી પતિએ ઉશ્કેરાઈ જઈ પત્ની પર હુમલો કર્યો હતો. પતિએ તેની ડોક પકડી લઈ શરીરે ઢીંકાપાટુનો માર માર્યો હતો. હુમલા દરમિયાન પતિએ પત્નીના જમણા હાથ પર બટકું ભરી લીધું હતું, જેના કારણે હાથે ઉજરડા અને મુંઢ ઈજાઓ થઈ હતી. સાવરકુંડલા પોલીસે આ અંગે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કેતનભાઇ દેવજીભાઇ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.










































