સાવરકુંડલા શહેર માટે આજે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ દિવસ સાબિત થયો છે. વર્ષોથી તોલ-માપના કાંટા (સ્કેલ) અને ખેતીવાડીના ઓજારો માટે વૈશ્વિક ઓળખ ધરાવતા સાવરકુંડલાને આધુનિક ઉદ્યોગોની હરોળમાં લાવવા માટે નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટ ખાતેથી ગુજરાતમાં ૧૧ નવી સ્માર્ટ GIDC ની જાહેરાત કરવામાં આવી, જેમાં સાવરકુંડલાનો સમાવેશ થતાં સમગ્ર પંથકમાં ખુશીની લહેર દોડી ગઈ છે. આ ખુશીના સમાચાર મળતા જ શહેરના હૃદય સમાન રિદ્ધિ-સિદ્ધિ ચોક ખાતે ઉદ્યોગકારો, વેપારીઓ અને વિવિધ સંગઠનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ઢોલ-નગારા, ડીજેના તાલે અને ગગનચુંબી આતશબાજી સાથે વિજયોત્સવ ઉજવાયો હતો અને સૌએ મોઢું મીઠું કરી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ GIDC મંજૂરી માટે કરેલી અવિરત મહેનત બદલ ઉદ્યોગ એસોસિએશન દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.








































