સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે ડેમ કાંઠે ગાળો બોલવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે ચાર શખ્સોએ ઉશ્કેરાઈ જઈ એક આધેડ પર હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી હતી. દેવરાજભાઈ નાથાભાઇ ડાભી (ઉ.વ.૫૦)એ મહેશ ગોરધનભાઈ વાઘેલા, સુરેશ ગોરધનભાઇ વાઘેલા, દિપક ગોરધનભાઇ વાઘેલા તથા હરેશ ભનુભાઇ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ અને તેમની પુત્રી પોતાની વાડી પાસે આવેલા નેરામાં બળતણ માટે લાકડા વીણવા ગયા હતા. આ સમયે ડેમમાં માછલા પકડી રહેલા ચાર શખ્સો મોટે-મોટેથી ગાળો બોલી રહ્યા હતા. તેમણે આ શખ્સોને ગાળો બોલવાની મનાઈ કરતા મામલો બિચક્યો હતો.ગાળો બોલવાની ના પાડતા ચારેય આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો ભાંડી હતી.
ત્યારબાદ આરોપીઓએ તેમની સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો, જેના કારણે ફરિયાદી ડેમ કાંઠે આવેલા મોટા કુંડમાં પડી ગયા હતા. તેઓ જ્યારે કુંડમાંથી બહાર નીકળ્યા ત્યારે ત્રણ આરોપીઓએ તેમને પકડી રાખ્યા હતા અને એક આરોપીએ કુહાડાની મુંધરાટીનો ઘા ફરિયાદીના ડાબા પગે ગોઠણ નીચે મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.
આ હુમલા બાદ આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ મામલે ફરિયાદીએ ચારેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.








































