અમરેલી જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ કમોસમી વરસાદે ભારે તબાહી મચાવી છે. સાવરકુંડલાના આંબરડી તેમજ આજુબાજુના ગામોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ગ્રામજનોને પોતાના ઘરોમાં રહેવાની ફરજ પડી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ વર્ષો બાદ આવું પવન-વરસાદનું માવઠું જોવા મળ્યું છે. સાવરકુંડલા પંથકમાં ભારે પવન અને વરસાદને કારણે વીજ સેવાને પણ અસર પહોંચી છે. આ આફતનો સૌથી વધુ ફટકો ખેડૂતોને પડ્‌યો છે. બાગાયતી પાકો અને કપાસનો ઊભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. એક ખેડૂતે જણાવ્યું કે તેમણે મોટા ખર્ચે પાક ઉગાડ્‌યો હતો. પરંતુ આ પવન અને વરસાદે તેમની મહેનત પર પાણી ફેરવી દીધું છે.