સુરેન્દ્રનગર – વઢવાણ શહેરી વિસ્તારમાં પીયરમાં પરણિતાએ થોડા દિવસો પહેલા સાસરીયાપક્ષના ત્રાસના કારણે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર બાદ પરણિતાનું મોત નીપજતા પરિવારજને અમદાવાદ ખાતે રહેતા પતિ અને સસરા સામે શારીરિક અને માનસીક ત્રાસ આપી પરણિતાને મરવા માટે મજબુર કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
વઢવાણ-લીંબડી રોડ પર ધાંચીના કબ્રસ્તાનમાં રહેતા સિકંદરભાઈ કાસમભાઈ ફકીરની બહેન રૃકશાનાબાનુ ઉર્ફે મુસ્કાનના લગ્ન અંદાજે ૧૦ મહિના પહેલા અમદાવાદના પીરાણા ગામ ખાતે રહેતા સુલતાનશા નનુશા દિવાન સાથે થયા હતા. પતિ તેમજ સસરા નનુશા અવાર-નવાર રૃકશાનાબાનુને મેણાટોણાં મારી ઝઘડો કરતા હતા તેમજ શારીરિક અને માનસીક ત્રાસ આપી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા હતા.
આથી સિંકદરભાઇ બહેન રૃકશાનાબાનુને પીયરમાં તેડી આવ્યા હતા. તેમ છતાંય પતિ અને સસરા માનસિક ત્રાસ ગુજારી ધમકીઓ આપી સબંધ નહિં રાખવાનું જણાવતા રૃકશાનાબાનુ ગત તા.૧૯ એપ્રિલના રોજ પિયરમાં ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સુરેન્દ્રનગર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પીટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ૨ મે સુધી સારવાર દરમ્યાન કોઈ સુધારો ન થતાં રજા આપતા વઢવાણ ફરિયાદીના ઘેર લઈ આવ્યા હતા. જ્યાં તબીયત લથડતા સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પીટલ લઈ ગયા હતા પરંતુ ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સિંકદરભાઇએ વઢવાણ પોલીસ મથકે રૃકશાનાબાનુના પતિ સુલતાનશા નનુશા દિવાન અને સસરા નનુશા લાલશા દિવાન બંને (રહે.પીરાણા તા.દસકોઈ) સામે શારીરિક અને માનસીક ત્રાસ આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી મરવા માટે મજબુર કર્યાની ફરિયાદ નોંધાવતા વઢવાણ પોલીસે વધુ તપાસ હાથધરી છે.