સાવરકુંડલામાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયોજિત ઐતિહાસિક કાર્યક્રમ રવિવારે સફળતાપૂર્વક સંપન્ન થયો. આ અવસરે સાવરકુંડલા તાલુકાના હજારો ભૂદેવ પરિવારો એકસાથે ઉપસ્થિત રહીને ધાર્મિક એકતાના પાવન અવસરના સાક્ષી બન્યા હતા. આ કાર્યક્રમનો પ્રારંભ શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સંચાલિત બ્રહ્મપુરી ભવનના ઉપરના વિભાગના લોકાર્પણ સાથે થયો. સમસ્ત બ્રહ્મસમાજે તમામ પેટા જ્ઞાતિવાદના વાડાઓને દૂર કરીને, ધાર્મિક શિક્ષણ અને સમાજ એકતાને વધુ સુદૃઢ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સમાજના વડીલો અને અગ્રણીઓની હાજરી રહી હતી. આ લોકાર્પણ બાદ, સમસ્ત ભૂદેવ પરિવારોમાં એકતા અને બંધુત્વની ભાવના વધારવાના ઉદ્દેશ્યથી સહ પરિવાર બ્રહ્મચોર્યાસી (સ્નેહમિલન) અને મહાભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સાંજે ૫ઃ૩૦ કલાકે બ્રહ્મપુરી, વી.ડી. કાણકિયા કોલેજ સામે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સાવરકુંડલા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ મુકેશભાઈ ત્રિવેદીએ આ પવિત્ર પ્રસંગે બ્રહ્મચોર્યાસીના ભોજન પ્રસાદનો લાભ લેવા બદલ તાલુકાના તમામ ભૂદેવ પરિવારોનો આભાર વ્યક્ત કર્યો હતો.